એ.જી.ઓફિસના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રેકર્ડ રૂમમાં ભેદી આગ: દસ્તાવેજો સળગીને ખાક
એકાઉન્ટ જનરલ ઓફિસ (એ.જી.ઓફિસ)ના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રેકર્ડ રૂમમાં સોમવારે રાત્રે આગ ભભૂકી ઉઠતાં રેકર્ડ રૂમમાં રહેલા અનેક મહત્ત્વના દસ્તાવેજો સળગીને ખાક થઈ ગયા હતા. રાજકોટથી એ.જી.ની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત કરવાની કવાયત શરૂ થઇ છે તેવા સંજોગોમાં જ રેકર્ડ રૂમમાં આગ લાગતાં અનેક શંકાઓ ઊઠી છે.
પ્રાપ્ત વિગત મુજબ, જંક્શન પ્લોટ વિસ્તારમાં ગેબનશાહ પીર દરગાહ નજીક આવેલી એ.જી. ઓફિસના રેકર્ડ રૂમમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને પાણીમારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. જોકે ત્યાં સુધીમાં રેકર્ડ રૂમમાં રહેલા દસ્તાવેજોના પોટલા સળગીને ખાક થઈ ગયા હતા. ઘટનાને પગલે એ.જી.ઓફિસના કેટલાક અધિકારી અને સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો.
મળેલ માહિતી મુજબ, રેકર્ડ રૂમની બાજુમાં કચરાનો ઢગલો હતો અને તે કચરાના ઢગલા પર ફટાકડાનો તણખો પડતાં કચરો સળગ્યો હતો અને કચરાની બાજુમાં જ રેકર્ડ રૂમની બારી હતી તે બારી આગની લપેટમાં આવી હતી અને બાદમાં આગ રેકર્ડ રૂમમાં ફરી વળી હતી. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેકર્ડ રૂમમાં મહત્ત્વના દસ્તાવેજો હોવા છતાં ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જોવા મળી નહોતી, રેકર્ડ રૂમમાં લાઇટિંગની વ્યવસ્થા નહોતી, આગ બુઝાવવાના કેટલાક સાધનો હતા પરંતુ તે જૂના પુરાણા હતા, તેમજ રેકર્ડ રૂમમાં કોઇ વ્યક્તિ 24 કલાક હાજર રહે તેવી વ્યવસ્થાનો પણ અભાવ હોવાથી આગ લાગી ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતું. જોકે ફાયર બ્રિગેડ સ્ટાફે ત્વરિત કામગીરી કરી આગ પૂરા રેકર્ડ રૂમમાં ફરી વળે તે પૂર્વે આગ બુઝાવી દઇ દસ્તાવેજોના અનેક પોટલા સળગતા બચાવી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ક્ધટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) ગિરીશચંદ્ર મુર્મુએ તાજેતરમાં રાજકોટ એ.જી. ઓફિસની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે, રાજ્યની રાજકોટ એકાઉન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્ત્વની સંસ્થા છે. આ સંસ્થાની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત કરવામાં આવશે તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે. કચેરીનું સ્થળાંતર થાય તે પહેલા જ રેકર્ડ રૂમમાં આગ લાગવાની ઘટના જાણકારો રહસ્યમય ગણાવી રહ્યા છે. ગાંધીનગર કચેરી સ્થળાંતરિત થશે ત્યારે તેને લગતાં દસ્તાવેજો પણ તેને સોંપવામાં આવશે. આ સંજોગોમાં અગાઉ કેટલાક અધિકારીઓએ કરેલા ગોટાળાનો ભાંડાફોડ થાય નહીં તે માટે આગ લગાડયાની શંકા પણ સ્થળ પર હાજર લોકોમાંથી કેટલાક લોકોએ વ્યક્ત કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.