અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો:૨૬૮ લોકોએ રકતદાન કર્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને જીવદયા વગેરે ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓના 10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન કેમ્પ-2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જસદણ શહેર તથા આસપાસના ગામોમાંથી તમામ ધંધા-વ્યવસાયો સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને 268 જેટલી રક્ત બોટલનું જસદણ જેવા નાના મથકમાં પણ વિક્રમજનક રક્ત એકત્ર કરવામાં આવ્યું.
આ સાથે ટ્રસ્ટ વિવિધ સામાજિક જનજાગૃતિ માટે નવીનતમ ચીલો ચાતરવા પણ હંમેશા અગ્રેસર રહ્યું છે, કોઈ આગેવાન કે દાતાના હસ્તે નહિ પરંતુ દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી, રક્તદાન કેમ્પને ખુલ્લો મુકી, સ્ત્રી સન્માનની ભાવના સાથે "આપણું ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન જ્યાં સ્ત્રીઓ શસક્ત, અને આત્મનિર્ભર હોય અને તેની દેશના દરેક કાર્યક્ષેત્રમાં સરખી ભાગીદારી હોય તે દિશા માટે આયોજકોએ આ તકે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પુરું પાડ્યું.
આ કેમ્પમાં અવતાર ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યક્રમમાં તન, મન અને ધનથી સેવા આપનાર તમામ દાતાશ્રીઓ તથા રક્તદાન કરનાર દરેક રક્તદાતાશ્રીઓને સ્મૃતિ ભેટ આપી, તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આગામી તા.12 જાન્યુઆરીએ જસદણ શહેરમાં 'વિચારોનું વાવેતર પુસ્તકાલય' સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિતે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજીત 5,000 થી વધુ પુસ્તકોનું વિશાળ પુસ્તકાલય જાહેર જનતા માટે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આ સદકાર્યમાં પણ સૌને જોડાવા ટ્રસ્ટ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.