ઉંટની બેફામ કતલ અને ઘટતી જતી વસ્તીને રોકવા રાજસ્થાન સરકારે બનાવ્યો કાયદો - At This Time

ઉંટની બેફામ કતલ અને ઘટતી જતી વસ્તીને રોકવા રાજસ્થાન સરકારે બનાવ્યો કાયદો


ઉંટની બેફામ કતલ અને ઘટતી જતી વસ્તીને રોકવા રાજસ્થાન સરકારે બનાવ્યો કાયદો

 

ઉંટની સૌથી વધુ વસ્તી રાજસ્થાનમાં છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉંટની વસ્તી રાજસ્થાન અને સમગ્ર દેશમાં ચિંતાજનક હદે સતત ઘટી રહી છે. ઉંટની વસ્તી ઘટવા માટે તેના માંસ માટે થઈ રહેલી બેફામ કતલ પ્રમુખ જવાબદાર કારણ માનવામાં આવે છે. રાજસ્થાન સરકારે ઉંટની ઘટતી જતી વસ્તીથી ભારે ચિંતિત થઈ તેને 'હેરીટેજ એનીમલ' અને 'સ્ટેટ એનીમલ' જાહેર કર્યું છે. ઉંટની ઘટતી વસ્તી પર નિયંત્રણ માટે અને તેની કતલ અટકાવવા રાજસ્થાન સરકારે સન ૨૦૧૫માં એક કાયદો પસાર કર્યો છે જે 'ધી રાજસ્થાન કેમલ (પ્રોહીબીશન ઓફ સ્લોટર એન્ડ રેગ્યુલેશન ઓફ ટેમ્પરરી માઈગ્રેશન ઓફ એકસપોર્ટ) એકટ-૨૦૧૫" તરીકે ઓળખાય છે. અગાઉ બે જ પ્રજાતિ ફકત હાથી અને ગેન્ડાનાં સંરક્ષણ માટે કાયદો બન્યો છે. ઉંટ માટે પ્રથમવાર આવો કાયદો બન્યો છે.
સરકારે આ કાયદાના ઉદ્દેશમાં જણાવ્યું છે કે, ઉંટની સતત કતલ થઈ રહી છે. ઉંટની કતલ માટે તેને બીજા રાજયોમાં નિકાસ થાય છે. રણનાં પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી ઉંટ હાલ ભયજનક સ્થિતિમાં મૂકાયું છે. તેની વસ્તી છેલ્લા સમયમાં અસાધારણ રીતે ઘટી ગઈ છે તેથી તેને સંરક્ષણ પુરુ પાડવું ખૂબ જ જરૂરી છે. ખેતી અને ગ્રામ્ય અર્થતંત્ર માટે ઉંટ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેના છાણથી બળતણ, ખાતર અને બાયોગેસ મળે છે. સમગ્રપણે સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક ઉપયોગીતા માટે ઉંટનાં પ્રદાનને ધ્યાનમાં લઈ તેનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. ઉંટની કતલ અટકાવવા, કતલ માટે તેના એકસપોર્ટને રોકવા તથા બીજા હેતુઓ માટે તેની હેરાફેરી પર નિયંત્રણ કરવા નવો કાયદો બનાવવો ખૂબ જ જરૂરી છે.
ધી રાજસ્થાન ઉંટ (કતલ અને કામચલાઉ સ્થળાંતર અથવા નિકાસ પ્રતિબંધ) કાયદાની મહત્વની જોગવાઈઓ :
(૧) ઉંટની કતલ પર પ્રતિબંધ : સમગ્ર રાજસ્થાનમાં ઉંટની કતલ પર અથવા કતલનાં પ્રયાસો પર પ્રતિબંધ મૂકાયો છે.
(૨) ઉંટની કતલ માટે એકસપોર્ટ પર પ્રતિબંધ : રાજસ્થાનથી બીજા રાજ્યોમાં ઉંટની કતલ માટે એકસપોર્ટ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.
(૩) ઉંટની હેરાફેરી પર નિયંત્રણ : ઉંટને અછતનાં સમયમાં અથવા ચરીયાણમાં લઈ જવા પરમીશન લેવી પડશે. વેલીડ પરમીટ વગર ઉંટની હેરાફેરી થઈ શકશે નહિ. પરમીટમાં દર્શાવ્યા મુજબના સમયમાં ઉંટ પરત નહીં લાવવામાં આવે તો કાયદાનો ભંગ ગણાશે. રાજસ્થાનથી બીજા રાજયમાં ખેતીવાડી, ડેરીના હેતુ માટે કે પ્રાણીનાં મેળામાં ઉંટને ભાગ લેવા લઈ જવા હશે તો પણ પરમીટ લેવી પડશે.
(૪) ટ્રાંસપોર્ટર જવાબદાર ગણાશે : આ કાયદામાં દર્શાવલા હેતુના ઉલ્લંઘન કરીને ઉંટને લઈ જવાશે તો તેને લઈ જનારા (ટ્રાંસપોર્ટર)ને જવાબદાર ગણાશે.
(૫) ઉંટની કસ્ટડી : જયારે ઉંટને જપ્ત કરવામાં આવશે ત્યારે તેને સક્ષમ સતાધિકારીને અથવા પ્રાણી કલ્યાણની માન્ય સંસ્થાને કસ્ટડી સોપવામાં આવશે.
(9) શિક્ષા : ઉંટની કતલ કે કતલનાં પ્રયત્નો માટે ૫ વર્ષ સુધીની સખત કેદ થશે, પરંતુ લઘુતમ સખત કેદ ૧ વર્ષની રહેશે અને રૂ|.૨૫,૦૦૦/- સુધીનો દંડ થશે. ઉટનું માંસ રાખવા, વેચાણ કરવા, વેચાણ માટે હેરાફેરી અથવા ઉંટના માંસની બીજા કોઈપણ સ્વરૂપે હેરાફેરી માટે તથા ઉંટની કતલ માટે હેરાફેરી માટે તથા વેલીડ પરમીટ વીના હેરાફેરી માટે મહતમ ૩ વર્ષ અને રૂા.૨પ,૦૦૦/- સુધીનો દંડ પરંતુ લઘુતમ ૬ માસની કેદ થશે.

(૭) ઉંટને ઈજા :ઉંટને શારીરીક પીડા, રોગ કે શારીરીક અશક્તિ થાય તેવી ઈજા પહોંચાડી શકાશે નહિ અન્યથા ૨ વર્ષ સુધીની સખત કેદ અને રૂા.૩૦૦૦/- સુધીનો દંડ થશે.પંકજ બુચ(પૂર્વ ડેપ્યુટી સેકેટરી- ગુજરાત વિધાનસભા

રિપોર્ટ .નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.