રીક્ષાએ ઓચિંતો વળાંક લીધો અને રેતી ભરેલું ડમ્પર માથે ફરી વળ્યું : પિતા -પુત્રના મોત : ચાર ઇજાગ્રસ્ત - At This Time

રીક્ષાએ ઓચિંતો વળાંક લીધો અને રેતી ભરેલું ડમ્પર માથે ફરી વળ્યું : પિતા -પુત્રના મોત : ચાર ઇજાગ્રસ્ત


l
રાજકોટ નજીક કુવાડવા રોડ પર જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે સાંજે અકસ્માતની કરુણ ઘટના બનેલી જેમાં પિતા-પુત્રના મોત થયા હતા અને ચાર લોકોને ઇજા થઇ હતી. રીક્ષાએ ઓચિંતો વળાંક લીધો અને રેતી ભરેલું ડમ્પર માથે ફરી વળ્યું હતું. જેથી કમકમાટી ભર્યાં દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટના રણછોડવાડીમાં રહેતા પિતા-પુત્ર પ્રવિણભાઈ પરસોત્તમભાઈ ગરસોંડીયા (ઉ.વ.44) અને તેનો પુત્ર મયંક (ઉ.વ.17) આ ઘટનામાં મોતને ભેટ્યા હતા. તે બંને વાંકાનેરથી આવતી રિક્ષામાં સાત હનુમાન પાસેથી રાજકોટ આવવા બેઠા હતા અને કાળ આંબી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોમાં રણછોડ દાસ બાપુના આશ્રમ પાસે રહેતા રિક્ષાના માલિક નારણભાઈ હરજીભાઈ જાદવ (ઉ.વ. 42), તેના પત્ની મધુબેન (ઉ.વ.40) તેમજ પેસેન્જર તરીકે વાંકાનેરથી બેઠેલા જનકબા મહેન્દ્રસિંહ પરમાર(ઉ.વ.70) અને સાત હનુમાન પાસેથી બેઠેલ પરપ્રાંતીય સિદ્ધાર્થ ચૌહાણ (ઉ.વ.20)નો સમાવેશ થાય છે. આ ઇજાગ્રસ્તોમાંથી માત્ર મધુબેનને ડિસ્ચાર્જ કરાયા છે. અન્ય ત્રણેય સારવારમાં છે.
બનાવ બનતા બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર. જી. બારોટ અને તેમની ટીમ દોડી ગઈ હતી. ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદી મધુબેન નારણભાઈ જાદવ (ઉ.વ. 40, રહે. ચામુંડા સોસાયટી મેઈન શેરી કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારા પતિ કલરકામ કરે છે. અમે પતિ - પત્ની તથા અમારા સંતાનો ચાર દીકરીઓ તથા એક સૌથી નાનો દીકરો બધા સાથે રહીએ છીએ. મારા પતિ પાસે જીજે -03- બીએક્સ -7813 નંબરની સીએનજી રીક્ષા છે. જે રીક્ષા તેઓ પોતે પેસેન્જરમાં ચલાવે છે.
તા.24/12/23ના બપોરના બારેક વાગ્યાના અરશામાં અમારી ઉપરોકત ઓટો રીક્ષામાં બેસી, હું તથા મારા પતિ નારણભાઈ, મારો પુત્ર ધ્રુવ (ઉ.વ.4) તથા અમારો ભાણેજ અનિલ ખીમજીભાઈ રાતડીયા (ઉ.વ. 25, રહે. હડમતીયા તા.ગોંડલ) રીક્ષા લઈ વાંકાનેર ખાતે મોગલ માના મંદીર ખાતે અમારા દીકરાને પગે લગાડવા ગયા હતા. અનિલ રીક્ષા ચલાવતો હતો. દર્શન કરી ઘરે પરત આવવા માટે આશરે પાંચેક વાગ્યે નિકળેલ. વાંકાનેર ખાતેથી એક વૃદ્ધા જેનું નામ જનકબા પરમાર (ઉ.વ. આશરે 70) અમારી રીક્ષામાં રાજકોટ આવવા બેઠા.
જે પછી રીક્ષા સાત હનુમાન પહોંચતા ત્યાંથી અમારી રીક્ષામાં અન્ય બે પેસેન્જર બેસેલ જે પાછળની શીટમાં તેમજ એક પેસેન્જર અમારી બાજુની વચ્ચેની નાની સીટમાં બેસેલ. જે બાદ અમો આશરે સાંજના પોણા છ વાગ્યાની આસપાસ કુવાડવા રોડ રાજકોટ તરફ આવતા રસ્તે જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે પહોંચતા ભાણેજ અનિલ ચલાવતા હોય તે દરમ્યાન અમારી પાછળથી એક ડમ્પર પુરપાટ ઝડપે આવતા, રીક્ષાને પાછળથી હડફેટે લેતા અમે તમામ રીક્ષામાં બેસેલ બધા જમણી બાજુની ડીવાઈડર તરફ ફંગોળાઈ ગયેલ જેમાં મને બંને પગે જમણા હાથે તથા મોઢે મુંઢ ઈજા થઈ. મારા પતિને માથામાં ઈજા થયેલ.
અમારી બાજુમાં બેસેલ વૃદ્ધાને શરીરે મુંઢ ઈજા થયેલ. આગળની સીટમાં બેસેલ આશરે 17 વર્ષના છોકરાનો ડાબો પગ ગોઠણથી કપાઈ ગયેલ. જે બનાવ મેં નજરે જોતા મને ચકકર આવવા લાગેલ અને ત્યારબાદ માણસો ભેગા થઈ જતા કોઈએ 108ને ફોન કરતા અમને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવેલ. મને રજા આપી દેતા હું ઘરે આવી ગયેલ.
જે બાદ મને જાણવા મળેલ કે અમારી રીક્ષામાં પેસેન્જર પૈકી પિતા - પુત્ર હતા તે પ્રવિણભાઈ તથા તેનો દીકરો મયંકભાઈ જેને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા હતા. તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઉપરાંત બીજો એક અજાણ્યો યુવક પેસેન્જર તથા વૃદ્ધા જનકબા તેમજ મારા પતિની સારવારમાં હજુ ચાલુ છે. આ સિવાય જીજે 03 બી ડબ્લ્યુ 8913ન નંબરના ડમ્પરનો ચાલક અકસ્માત સર્જી તેનું ડમ્પર ત્યાં જ મૂકી નાસી ગયો હતો. જેથી ડમ્પર ચાલક વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં રીક્ષા માલિક નારણભાઈ જાદવનો ભાણેજ ગોંડલ તાલુકાના હડમતીયા ગામે રહેતો અનિલ ખીમજી રાતડીયા(ઉ.વ.25) રીક્ષા ચલાવતો હતો. અકસ્માતમાં આખી રિક્ષાનો બુકડો બોલી ગયો છે. પરંતુ આ અનિલને અને નારણભાઇના 4 વર્ષીય બાળક ધ્રુવને કોઈ ઇજા નથી થઈ. તેનો આબાદ બચાવ થયાનું જાણવા મળે છે.
કુવાડવા રોડ પર આવેલ રણછોડવાડીમાં રહેતાં પ્રવિણભાઈ ગરસોંડીયા અને તેમનો પુત્ર મયંક ગઈકાલે ચોટીલામાં આવેલ મંદિરે દર્શન માટે ગયા હતાં. જયાંથી તેમને કાળ બોલાવતો હોય તેમ ચોટીલાથી વાહનમાં તેઓ નિકળ્યા બાદ કુવાડવા રોડ પરના સાત હનુમાન પાસે તેઓ ઉતર્યા હતાં.અને ત્યાંથી રીક્ષામાં બેસ્યા બાદ ઘર તરફ આવતાં હતાં ત્યારે ડમ્પર ચાલકે હડફેટે લેતાં મોતને ભેંટયા હોવાનું જાણવા મળેલ હતું.
ડમ્પર અને ઓટો રિક્ષા વચ્ચે થયેલા અકસ્માત રીક્ષામાં સવાર એક યુવકની પ્રથમ ઓળખ થઈ નહોતી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાછળથી આ યુવકનું નામ સિદ્ધાર્થ ચૌહાણ હોવાનું સામે આવેલ.સિદ્ધાર્થ ઉત્તરપ્રદેશથી રાજકોટ આવ્યો છે.અહીં તેના કાકા રહે છે. તેના ઘરે રોકાયો હતો. રાજકોટ તે ફરવા માટે આવ્યો છે હાલ તે ઈમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે.
કુવાડવા રોડ પર ડમ્પરની અને રીક્ષા વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેંટનાર રણછોડવાડીમાં રહેતાં પ્રવિણભાઈ પરસોત્તમભાઈ ગરસોંડીયા રણછોડનગરમાં ઈમીટેશનનું કામ કરતા હોવાનું અને તેનો પુત્ર મયંક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું હતું.
► રૂંવાટા ઉભા કરી દયે તેવા ઘટનાના સીસીટીવી ફૂટેજ
આ અકસ્માતનો બનાવ આઇવે પ્રોજેકટના કેમેરામાં કેદ થયો છે. રીક્ષા અચાનક જ ત્રણ લ્યે છે અને પાછળથી આવતું ડમ્પર તેની માથે ફરી વળે છે. રિક્ષાનો કચ્ચરઘાણ વળી જાય છે અને લોકોના ટોળા એકત્ર થઈ જાય છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.