માવઠાની આગાહી વચ્ચે રાજકોટમાં ધ્રાબડિયું વાતાવરણ - At This Time

માવઠાની આગાહી વચ્ચે રાજકોટમાં ધ્રાબડિયું વાતાવરણ


શનિવારથી આકાશ સ્વચ્છ થાય તેવી શક્યતા

શહેરમાં શરદી, ઉધરસના કેસ અચાનક વધી ગયા

માવઠાની શક્યતા વચ્ચે રાજકોટ શહેરમાં બે દિવસથી ધ્રાબડિયું વાતાવરણ રહ્યું છે. ગુરુવારે ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્શિયસ જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. હજુ શુક્રવાર સુધી આવી જ સ્થિતિ રહેશે અને શનિવારથી આકાશ સ્વચ્છ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આકાશ સ્વચ્છ થયા બાદ શહેરમાં ન્યૂનતમ તાપમાનમાં નજીવો વધારો થશે જ્યારે મહત્તમ તાપમાન 28થી 29 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રહે તેવી શક્યતા છે. બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ક્યાંય હજુ વરસાદ ન પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં બે દિવસ સુધી તડકો પડ્યો નથી અને હજુ શનિવાર સુધી આવી સ્થિતિ રહેવાની છે. આવું વાતાવરણ વાઇરલ રોગચાળાને ભારે માફક આવતું હોય છે. 

આ જ કારણે શરદી, ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે અને એક સપ્તાહ સુધી તેની અસર રહેશે. તડકો પડવાનું શરૂ થાય એટલે તાપમાન ભલે ન ઊંચકાય પણ તડકાને કારણે વાઇરલ રોગચાળાનો ફેલાવો અટકી જાય છે પણ હવામાં ભેજનું પ્રમાણ વધે એટલે વાઇરસ અને બેક્ટેરિયાને ફેલાવાની તક મળી જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.