રાજકોટમાં ત્રણ એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ: બે પરપ્રાંતીય શખ્સોની ધરપકડ
રાજકોટમાં આવેલ નારાયણનગરમાં અને રૈયા રોડ પર આવેલ એસબીઆઈ બે એટીએમને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે પરપ્રાંતીય શખ્સોને દબોચી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે શહેરમાં જવાહર રોડ પર આવેલ એસબીઆઈ મેઈન બ્રાન્ચમાં કેશિયર તરીકે નોકરી કરતાં હસમુખભાઈ ગુલાબભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેંકના એટીએમ શહેરમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલ છે. ગઇ તા.07/12/2023 ના ભક્તિનગર પોલીસ મથકના અધિકારીએ જવાહર રોડ પર આવેલ મેઇન બ્રાંન્ચમાં જાણ કરી હતી કે, તમારી બેંકનું એટીએમ નારાયણનગરમાં આવેલ છે, ત્યાં તા. 06/12/2023 ના રાત્રીના બે અજાણ્યા શખ્સો આવેલ તેમાંથી એક શખ્સે તેના ખીસ્સામાથી એ.ટી.એમ. કાર્ડ કાઢી રૂપીયા ઉપાડેલ બાદ તેણે પોતાની પાસેના પાના વડે એ.ટી.એમ. મશીનના શર્ટરમાં નાખેલ અને બાદ બંને નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરીવાર બંને શખ્સો એ.ટી.એમ પર આવેલ અને તેમાંથી એક શખ્સે ફરીથી પોતાની પાસેના ડીસમીસથી તે એટીએમનું શટર તોડવાનો પ્રયત્ન કરેલ પરંતુ રૂપીયા ઉપડેલ નહી જેથી બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતાં. જે અંગે સ્ટાફે તપાસ કરતાં એટીએમમાં અંદાજીત રૂ.18 હજારનું નુકશાન થયેલ હતું. આજ રીતે રૈયા રોડ પર સદગુરૂ કોમ્પ્લેક્ષની સામે આવેલું એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જેમાં રૂ. 45 હજારની નુકશાની ગઈ હતી. રૈયા ચોકડી પાસે આવેલું એસબીઆઈનું ત્રીજું એટીએમ તોડવાનો પણ પ્રયાસ થયો હતો. જેને કારણે રૂા. 15 હજારની નુકશાની થઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. ત્રણેય એટીએમમાં ત્રાટકનાર બે પરપ્રાંતિય શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ બંને શખ્સો બીજા રાજયોમાં પણ આ રીતે ઘણાં એટીએમમાં ત્રાટકયાની જેમાં અમુકમાં સફળતા જયારે અમુકમાં નિષ્ફળતા મળ્યાની માહિતી મળી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.