હું હવે ઘરે નહીં આવું મારી રાહ જોતા નહીં ફોન કર્યા બાદ સગીરા ગુમ
મવડી પ્લોટ વિસ્તારમાંથી 13 વર્ષની સગીરાએ તેના પિતાને ફોન કરી હું હવે ઘરે નહીં આવું મારી રાહ જોતા નહિ કહ્યા બાદ ગુમ થઈ જતાં માલવીયાનગર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય આધેડે માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં 13 વર્ષની દીકરી છે. ગઈકાલ સાંજના સાતેક વાગ્યે આસપાસ તે ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો
જેથી કોલ રીસીવ કરતા સામેવાળા વ્યક્તિએ કોઈ વાત કરી ન હતી. ત્યારબાદ બે થી ત્રણ વખત આ નંબર પરથી ફોન આવતા કોલ રીસીવ કરતા કોઈ વાત કરતું ન હતું. બાદમાં રાત્રિના આશરે નવેક વાગ્યે આસપાસ આધેડની 13 વર્ષની દીકરી નીચે રમવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે ઘરે પરત કરી ન હતી. દરમિયાન રાત્રિના એકાદ વાગ્યા આસપાસ અગાઉ જે અજાણ્યા નંબરમાંથી કોલ આવતો હતો ફરી તેમાંથી કોલ આવ્યો હતો.
જેથી આધેડે ફોન રિસીવ કરતા તેમની દીકરી વાત કરતી હતી અને તેણે કહ્યું હતું કે, હું હવે ઘરે નહીં આવું મારી રાહ જોતા નહીં. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ આ નંબર પર વારંવાર ફોન કરવા છતાં ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી આધેડે પ્રથમ પોતાના સગા સંબંધીઓને આ બાબતે જાણ કર્યા બાદ દીકરીનો કોઈ પતો ન લાગતાં અંતે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.