રાજકોટ:કોલેજના પ્રિન્સીપાલ સાથે ઓનલાઈન છેતરપીંડી - At This Time

રાજકોટ:કોલેજના પ્રિન્સીપાલ સાથે ઓનલાઈન છેતરપીંડી


શહેરમાં આવેલી બી. એ. ડાંગર હોમીયોપેથીક કોલેજના પ્રિન્સીપાલ સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ છે. પોતાની કાર ટ્રાન્સપોર્ટ મારફત ઉત્તરાખંડ મોકલવાની હોય, ડો.રાકેશકુમાર મિશ્રાએ ગૂગલ સર્ચ કરી મેળવેલ નંબરમાં ફોન કરતા, ફ્રોડ ટોળકીએ ટ્રાન્સપોર્ટ ચાર્જ રૂ.14 હજાર મેળવી ઠગાઈ કરી હતી. રૂપિયા ચૂકવ્યા પછી પણ કાર લઈ જવા ટ્રાન્સપોર્ટનું કોઈ વ્યક્તિ ન આવતા અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ડો.રાકેશકુમાર ભગવતીપ્રસાદ મિશ્રા (ઉ.વ.55, રહે. અજમેરા એપાર્ટમેન્ટ, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ, મુળ રહે. ગ્રીન પાર્ક કોલોની, કાશીપુર રોડ, ડિબડીબા, જી.રામપુર, ઉતરપ્રદેશ)એ જણાવ્યું કે, હું બી.એ.ડાંગર હોમીયોપેથીક કોલેજમાં પ્રિન્સીપાલ છું. મારી પાસે મારી માલિકીની ઈકકો સ્પોટ કાર યુકે 06- એબી -1217 નંબરની છે. જે મારે રાજકોટથી ઉધમસિંઘનગર(ઉતરાખંડ) ખાતે ટ્રાન્સપોર્ટથી મોકલવી હતી. જે માટે હું મારા ઘરે હતો ત્યારે ઓનલાઈન ગુગલમાં સર્ચ કરતા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પ્રા.લી. ના નામની ટ્રાન્સપોર્ટની સાઈટ દેખાડતા તેમાં કલીક કરતા તેમાં જયપુર ટ્રાન્સપોર્ટ પ્રા.લી.ના કોન્ટેકટ નંબર દેખાડતા તેમાં ફોન કરેલ. કાર મોકલવા બાબતે વાતચીત કરેલ.
સામે છેડે વાતચીત કરનાર વ્યક્તિએ મને ટ્રાન્સપોર્ટનો ચાર્જ રૂ.16000 થશે તેમ કહેલું. મેં હા પાડેલ જેથી સામેની વ્યક્તિએ મને કઈ તારીખે ગાડી મોકલવી છે તેવું કહેતા મેં તારીખ નક્કી થશે ત્યારે તમને જાણ કરીશ તેવું કહેલ. ગઈ તા. 25/11/23 ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાની આસપાસ મેં આ જયપુર ટ્રાન્સપોર્ટના નંબર પર ફોન કરી તા.29/11/2023 ના રોજ મારે ગાડી ઉતરાખંડ મોકલવી છે. તેવી વાત કરેલ જેથી ફોનમાં વાત કરનાર વ્યક્તિએ મને ટ્રાન્સપોર્ટના ચાર્જ પેટે એડવાન્સ રૂ.2000 આપવા પડશે
તેવી વાત કરતા મેં મારા દિકરા શુભમના બેંક ખાતામાંથી જયપુર ટ્રાન્સપોર્ટના યુ.પી.આઈ. ના બારકોડમાં રૂ.2000 ઓનલાઈ ન ટ્રાન્સજેકશન કરેલ. વાત કરતી વ્યક્તિએ જણાવેલ કે તમારા ઘરના લોકેશન પર અમારા ટ્રાન્સપોર્ટનો ટ્રક તમારી ગાડી લેવા માટે આવશે. 29/11/23 ના રોજ સવારના આશરે સવા નવેક વાગ્યાની આસપાસ મને મારા મોબાઈલ ફોનમાં જયપુર ટ્રાન્સપોર્ટમાંથી ફોન આવેલ કહેલ કે તમારે તમારી ગાડીના ટ્રાન્સપોર્ટના ચાર્જ પેટે પચાસ ટકા રકમ આપવી પડશે.
ફરી મેં રૂ.5000 મારા દિકરા શુભમના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સજેકશન કરેલ. જે પછી ફરીથી ફોન આવેલ કે, પુરેપુરો ચાર્જ આપવો પડશે પછી જ ટ્રાન્સપોર્ટ વાળો ગાડી લેવા માટે આવશે. મેં રૂ.7000 ઓનલાઈન ટ્રાન્સજેકશન કરેલ. મને વોટસઅપ નંબર પર રૂપિયા ટ્રાન્સજેકશન કરેલની રસીદ તથા ટ્રકના ફોટો અને ટ્રક ડ્રાઈવરના લાયસન્સનો ફોટો પણ મોકલેલ. ઘરનું લોકેશન મોકલ્યા પછી પણ ટ્રક મારી કાર લેવા માટે આવેલ નહોતો. જયપુર ટ્રાન્સપોર્ટના નંબર પર કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી છેતરપીંડીનો ખ્યાલ આવતા પોલીસમાં જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.