લગ્નમંડપમાંથી 12 લાખના દાગીના અને રોકડ ભરેલ પર્સની છ મિનિટમાં ચોરી
રાજકોટ-જામનગર હાઇવે પર ઘંટેશ્વર પાર્ક રિસોર્ટમાં માર્કેટિંગ યાર્ડના વેપારી મોહનલાલ કોટવાણી અને તેનો પરિવાર ભત્રીજાની જાણ લઈ ગયો હતો. ત્યારે મોડી રાતે 11.30 થી 11.36 ના છ મિનિટના ગાળામાં મહેમાન બની આવેલ ગઠિયાએ લગ્ન મંડપમાં રાખેલ રૂ.12 લાખના દાગીના અને રોકડ ભરેલ પર્સની ચોરી કરી નાસી છૂટતાં લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં જંકશન પ્લોટ શેરી નં.16 ના રહેતાં મોહનલાલ છતારામ કોટવાણી (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બેડી માર્કેટીંગ યાર્ડમા અમર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવી અનાજ-કઠોળ નો વેપાર કરે છે. તેઓ ચાર ભાઈમાં મોટા છે. તેમના કાલાવડ રોડ પર ક્રિષ્ના મેડિકલ વાળી શેરી રોયલ પાર્ક મેઈન રોડ પર રાજપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં નાના ભાઈ ચંદુભાઈના પુત્ર જયદીપ કોટવાણીના લગ્ન ગઈકાલે જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર પાર્ક ખાતે રાખેલ હતાં.
ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ અમે સગા-સબંધી અહીં ઘંટેશ્વર પાર્કમા અમારા ભાઈ ચંદુભાઈના દિકરા જયદીપભાઈની જાન લઈને લગ્ન વિધી કરવા માટે ગયેલ હતાં. અમારી સાથે બીજા ઘણા અન્ય મહેમાનો પણ આવેલ હતા. ઘંટેશ્વર પાર્કમા અમારા સગા-સબંધીઓ તેમજ ચંદુભાઇના વેવાઇ અશોકભાઈ તારવાણીના સગા-સબંધીઓ પણ હતા. તેમજ જયદીપના પત્નિ સારીકાબેનને પહેરામણી માટે દાગીના લીધેલ હતા. જે એક કાળા કલરના પર્સમા રાખેલ હતા અને તે પર્સ મારા ભાણેજ ખ્યાતીબેન સુમીતભાઈ ખેમચંદાણીની પાસે હતુ.
ખ્યાતીબેન સારીકાબેનના અણવર તરીકે લગ્ન મંડપમા હાજર હતા. પર્સમાં પહેરામણીના દાગીના સાથે રોકડ રૂપીયા એક લાખ પણ હતા. દરમિયાન રાત્રીના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ લગ્ન મંડપમા ફેરાની વિધી ચાલુ હતી. તે સમયે આ સારીકાબેનની નથડી નીકળી જતા ખ્યાતીબેન ત્યા લગ્ન મંડપમાં દાગીના તથા રોકડ રકમ વાળુ પર્સ તેમની પાસે હોય જે પર્સ નીચે મુકી સારીકાબેનને નથડી પહેરાવેલ. બાદમાં દાગીના તથા રોકડ રકમ રાખેલ પર્સ લેવા જતા પર્સ જોવામા આવેલ નહી.
જેથી તેણે પરીવારના સભ્યોને જાણ કરતા આજુબાજુમા તપાસ કરતા પર્સ ક્યાય જોવામા ન આવતાં પર્સ ચોરી થયાની જાણ થઈ હતી. પર્સમાં રોકડ રૂ. એક લાખ, સોનાની વીંટી નંગ-2 રૂ.75 હજાર, સોનાનુ મંગળસુત્ર બુટ્ટી સાથે રૂ.2.11 લાખ, સોનાની મોટી બંગડી નંગ-2 રૂ.3.20 લાખ, સોનાનો પેન્ડલ સેટ ચેઇન તથા બુટ્ટી સાથે રૂ.2.45 લાખ, સોનાનુ બ્રેસલેટ નંગ-1 રૂ. 75 હજાર, સોનાની વીંટી નંગ-3 રૂ.1.70 લાખ, ચાંદીના પાયલની જોડી-1 રૂ.3500 અને ચાંદીના વીંછીયા જોડી-1 રૂ.500 મળી કુલ રૂ.12 લાખનો મુદ્દામાલ અજાણ્યો શખ્સ લગ્ન મંડપમાંથી ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.પી.રજીયાની રાહબરીમાં પીએસઆઈ બી.આર.ભરવાડ અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.