જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ કરાયો - At This Time

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ કરાયો


વિકસિત ભારત યાત્રા - પંચમહાલ જિલ્લો.

પંચમહાલના ગોધરા તાલુકાના મહેલોલ ખાતેથી જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાયો

વિકસિત ભારત રથ દરરોજ બે ગામો ફરી જિલ્લાના કુલ ૫૨૫ ગામોમાં પ્રચાર પ્રસાર કરાશે

ગોધરા
તા.૩૦ નવેમ્બર,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આ યાત્રાના રથને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરાના હસ્તે ગોધરા તાલુકાના મહેલોલ ગામ ખાતેથી લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌકોઈએ નિહાળ્યું હતું તથા નમો ડ્રોન દીદીની યોજનાની શરૂઆતને તાળીઓથી વધાવી હતી.

આ તકે મધ્ય ગુજરાત ઝોનના વિકસીત ભારત યાત્રાના ઇન્ચાર્જ શ્રી ડો.યોગેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકોને ઘર આંગણે જ સરકારની વિવિધ જન સુખાકારીમાં વધારો કરતી યોજનાઓનો લાભ અને માહિતી મળી રહી છે. સરકારી યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઈ જવા માટે એક પણ લાભાર્થી છૂટી ના જાય તે માટે યાત્રાના માધ્યમથી લાભ પહોંચાડવાના પ્રયાસ સાથે જન આંદોલન ઉભુ કરવામાં આવી રહ્યું છે.જેને ગામડાઓ સહિત શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, દેશ વિકસિત બને ત્યાં સુધી અને ત્યારબાદ પણ વિકાસ અવિરત પણે થતો રહે તેવો સંકલ્પ આપણે સૌ કરીએ તેવું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું અને હાલમાં આ રોલ મોડલને સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના આ મોડેલના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રત્યેક ભારતીયની નેમ છે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભ તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

આ કાર્યકમમાં 'મેરી માટી,મેરા દેશ'અંતર્ગત ભવાઇ રજુ કરાઈ હતી જેમાં લોકોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશ અપાયો હતો.સૌએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પી.એમ.જે.એ.વાય યોજનાના કાર્ડ,આવાસ યોજના સહિતના લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા.સાથે સાથે નજીકના ખેતરમાં ડ્રોન પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરુઆત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવાત દ્વારા કરવામાં આવ્યું હતું.અહી નોંધનિય છે કે વિકસિત ભારત રથ દરરોજ બે ગામો ફરી જિલ્લાના કુલ ૫૨૫ ગામોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, મધ્ય ગુજરાત ઝોનના વિકસીત ભારત યાત્રાના ઇન્ચાર્જ શ્રી ડો. યોગેશ પંડ્યા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે. બારીયા, પ્રાંત અધિકારી ગોધરાશ્રી પ્રવિણ જૈતાવત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રંજનબેન રાઠોડ, પુર્વ પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી કામિનીબેન સોલંકી, તેમજ તાલુકા પંચાયતના સભ્યો, મહેલોલ ગામના સરપંચ તેમજ વિવિધ ખાતાના અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.