રાજકોટના આજી ડેમ પાસે અજાણ્યાં વાહનની હડફેટે રાહદારી પ્રૌઢનું મોત
વધું એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજકોટના મહિકા ગામ પાસે અજાણ્યાં વાહનની હડફેટે ચાલીને જતાં રાહદારી પ્રૌઢનું મોત મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, મહિકા ગામે રહેતાં અનોપસિંહ બહાદુરસિંહ રાઠોડ (ઉ.વ.50) છેલ્લા 10 દિવસથી આજીડેમ વિસ્તારમાં આવેલ કરૂણા ગૌશાળામાં કામ પર રહ્યા હતાં. ગઈ રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓ કામ પરથી ઘરે આવવા ચાલીને નીકળ્યા હતાં ત્યારે મહિકા ગામમાં આવેલ પેટ્રોલપંપ નજીક પાછળથી પુરપાટ ઝડપે આવેલ અજાણ્યાં વાહને હડફેટે લેતાં તેઓ રોડ પર પટકાયા હતાં.
અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. દરમિયાન બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ અને રાઇટર સંજયભાઈ દોડી આવ્યા હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતક ખેતી કામ સાથે કરૂણા ગૌશાળામાં કામ કરતાં હતાં. તેઓ ત્રણ ભાઈમાં વચ્ચેટ અને સંતાનમાં બે પુત્ર-એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.