પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો - At This Time

પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો


પત્નીની હત્યા કરી પતિએ રાજકોટમાં આપઘાત કરી લીધો હતો. ગોંડલના જામવાડી પાસેથી અજાણી મહિલા અને રાજકોટના અટીકા ફાટક નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. બન્નેની ઓળખ થયા પછી પોલીસે બનાવનો ભેદ ઉકેલ્યો હતો. રાજકોટના કિટીપરા શેરી નં.7માં રહેતો રવિ વિનુભાઈ વઢવાણીયા (ઉ.વ.22) તેની પત્ની સોનલ (ઉ.વ.23) સાથે ગોંડલ પહોંચ્યો હતો, સોમવારે રાતે હત્યા કરી જૂનાગઢ જતો રહ્યો હતો. મંગળવારે રાજકોટ આવી ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. રવિની માનસિક બીમારીની દવા લેવા જવાનું કહીં સોમવારે બપોરે દંપતી ઘરેથી નીકળ્યા હતા. હત્યા કરવા પાછળનું કારણ શું? તે સ્પષ્ટ ન થતા પોલીસે તપાસ યથાવત રાખી છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતિ મુજબ, ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર જામવાડી પાસે આવેલ ઓમ શિવ હોટલ નજીક ગઈકાલે મંગળવારે વહેલી સવારે અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ કોઈએ પોલીસ કંટ્રોલમાં કરતા ગોંડલ તાલુકા પોલીસના પીએઆઈ જે. એમ. ઝાલા ટીમ સાથે દોડી ગયા હતા. આ તરફ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તેમની ટીમ સાથે દોડી ગયા હતા. એસઓજી ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે પણ તપાસ આદરી હતી. સ્થળ પર ફોરેન્સિક એક્સપર્ટને બોલાવી સેમ્પલ લેવાયા હતા. જેમાં લાશ નજીકથી એક છરી મળી હતી. એક જોડી ચપ્પલ મળ્યા હતા. મૃતકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા. યુવતીના ડાબા હાથમાં રવિ અને સોનલ નામ ત્રોફાવેલ હતું જેના આધારે રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી.
યુવતીનો મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન સવારે 11 વાગ્યે રાજકોટની અટીકા ફાટક નજીક એક અજાણ્યા યુવાને ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો હતો.જેથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કે.યુ. વાળા તેમની ટીમ સાથે દોડી ગયા હતા. મૃતકની ઓળખ કિટીપરાના રવિ તરીકે થઈ હતી. જે પછી યુવતીની ઓળખ રવિની પત્ની સોનલ હોવાની થઈ હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા ખુલ્યું હતું કે, રવિ અને સોનલના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા. રવિની માનસિક બીમારીની દવા ચાલુ હતી મંગળવારે બપોરે 1 વાગ્યે પતિ-પત્ની ઘરેથી દવા લેવા જવાનું કહીં નીકળ્યા હતા. પાંચ વાગ્યે એસટી બસ મારફત ગોંડલ પહોંચ્યા હતા. ચાલીને જામવાડી પાસે પહોંચ્યા હતા. જ્યાં રાત્રે 9 વાગ્યા આસપાસ રવિએ સોનલના ગળા પર છરીના ઘા મારી હત્યા કરી હતી. રવિ ઘરેથી જ છરી લઈ નીકળ્યો હતો. હત્યા કરી તે બસ મારફત જૂનાગઢ પહોંચ્યો હતો. જ્યાંથી સવારે ટ્રેન મારફત રાજકોટ પહોંચ્યો હતો અને પછી 11 વાગ્યે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. રવિએ શા માટે તેની પત્નીની હત્યા કરી? તેનું કોઈ કારણ સામે ન આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.