પોસ્ટ ઓફિસમાં નોકરી મેળવવા ખોટી માર્કશીટ રજૂ કરનાર રાજસ્થાની શખ્સની ધરપકડ - At This Time

પોસ્ટ ઓફિસમાં નોકરી મેળવવા ખોટી માર્કશીટ રજૂ કરનાર રાજસ્થાની શખ્સની ધરપકડ


મોરબીની ગુંગણ પોસ્ટ બ્રાન્ચમાં નોકરી લેવા રાજકોટ હેડ ઓફિસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવેલ રાજસ્થાની શખ્સે નકલી માર્કશીટ રજૂ કરતાં પોલીસ ફરિયાદ નોંધાતા એ.ડિવિઝન પોલીસે અરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં રાજકોટમાં માધાપર પોસ્ટ ઓફિસ પાસે રહેતાં વિજયાલક્ષ્મી મિણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ માનસિંગ રેબારી (રહે. ચુરૂ, રાજસ્થાન) નું નામ આપતાં એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ 465,467,468,471 હેઠળ ગુનો નોંધ્યો હતો.
વધુમાં ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, તે છેલ્લા બે વર્ષથી જ્યુબેલી ચોક પાસે આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બીજા માળે સ્થિત સિનિયર સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસની કચેરીમાં આસિસ્ટન્ટ સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસ હેડ ક્વાર્ટરના હોદ્દા ઉપર નોકરી કરે છે. ગઈ તા. 24-1ના ભારતીય ટપાલ વિભાગ દ્વારા નોટીફીકેશન બહાર પાડી ગ્રામીણ ડાક સેવક બ્રાંચ પોસ્ટ માસ્તર, પોસ્ટ આસીસ્ટન્ટ, બ્રાંચ પોસ્ટ માસ્તર, ડાક સેવકની વિવિધ જગ્યાઓ માટે ધો. 10/ એસએસસીના મેરીટ ઉપર ભરતી બહાર પાડી હતી.
જે અનુસંધાને આરોપી પ્રકાશ રેબારીએ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. આ સમયે તેને સ્પષ્ટ ખાતરી આપી હતી કે, જે માર્કશીટના આધારે તેણે ફોર્મ ભર્યું છે તે સંપૂર્ણપણે સાચુ છે, જો ભવિષ્યમાં આ પ્રમાણપત્રો નકલી કે ખોટા માલૂમ પડશે તો નોકરીમાં અયોગ્ય જાહેર થશે. ત્યારબાદ તે એસએસસીના મેરીટ મુજબ મોરબી તાલુકાની ગુંગણ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકે એપ્લાય થતાં ભરતી પ્રક્રિયાના નિયમ મુજબ આરોપીને ફોનમાં મેસેજ કરાયો હતો.
તેના ઈ-મેઇલમાં મેઈલ આવતાં તે પ્રવર અધિક્ષક રાજકોટ વિભાગની કચેરીમાં ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટે અસલ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ તા. 21-3-23ના આવ્યો હતો અને જરૂરી ડોક્યુમેન્ટો રજૂ કર્યા હતાં. જેમાં યુપી બોર્ડની એસએસસીની માર્કશીટ અસલ નકલ તેમજ આધારકાર્ડ વગેરે દસ્તાવેજો રજૂ કર્યા હતાં. માર્કશીટ જોતાં ગુજરાતી વિષયમાં 90 માર્ક જોવામાં આવ્યા હતાં અને આરોપી સાથેની વાતચીતમાં તે વ્યવસ્થિત ગુજરાતી ભાષા પણ બોલી શકતો ન હોય શેકા જતા યુપી બોર્ડના ઓનલાઈન પોર્ટલ પર માર્કશીટ નંબર નાખતા એરર આવી ગઈ હતી.
આથી દ્રઢ શંકા જતાં પ્રવર અધિક્ષક ડાકઘર રાજકોટ દ્વારા એડીશનલ સેક્રેટરી માધ્યમિક શિક્ષા પરિષદ, ઓરીજનલ ઓફિસ, મેરઠને આરોપીએ રજૂ કરેલ માર્કશીટ વેરીફાઈ કરવા મોકલાઈ હતી. જેના ઉત્તરમાં તેઓએ માર્કશીટ સંપૂર્ણપણે બનાવટી અને ખોટી હોવાનું જણાવ્યું હતું.
આમ આરોપીએ પોસ્ટની નોકરી મેળવવા માટે ખોટી માર્કશીટ બનાવ્યાનું અને તેનો ખરા તરીકેનો ઉપયોગ કર્યાનું ખૂલતા અંતે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઈ આર.આર.સોલંકી અને સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપી પ્રકાશ રેબારીને પકડી પાડી રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.