સોસાયટીના એસોસિએશન વિરોધ કરનાર વૃધ્ધને પ્રમુખે ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી
અવધ રોડ પર આવેલી વૃંદાવન આવાસ યોજના સોસાયટીના પ્રમુખે અહીં રહેતા વૃધ્ધને ગાળો આપી લાકડી લઇ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે વૃધ્ધની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સોસાયટીના પ્રમુખ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે અવધ રોડ પર સીઝન હોટલની સામે પ્રધાનમંત્રી આવાસ યોજના વૃંદાવન સોસાયટી ફ્લેટ નંબર એફ 603 માં રહેતા મહિપતસિંહ કલ્યાણસિંહ વાળા(ઉ.વ 75) નામના વૃધ્ધે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં આવાસ યોજનામાં રહેતા મેહુલ સોલંકીનું નામ આપ્યું છે.
વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં આવાસ યોજનામાં રહે છે અને રૈયા રોડ પર હીરારામનગર હનુમાન મઢી પાસે શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના સવા દશ વાગ્યે આસપાસ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર વૃંદાવન સોસાયટી એસોસિએશનના સભ્ય હરેશ પાડલીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી સોસાયટીની મીટીંગ છે જેથી તમે આવો તમને કોઈ કંઈ કહેશે નહિ તેની જવાબદારી મારી તેમ કહેતા વૃદ્ધ અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં મીટીંગ હોય ત્યાં ગયા હતા. વૃદ્ધે અગાઉ સોસાયટીનું એસોસિએશન ગેરકાયદે છે અને તે લોકો ખોટું ઉઘરાણું કરતા હોય એસોસિયેશનનો વિરોધ કર્યો હતો
અને રૂડાના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર તેમજ મુખ્યમંત્રીને આ બાબતે અરજી આપી હતી. અને આ બાબતે અહીં રહેતા રહીશોએ વર્તમાનપત્રમાં પણ વિગતો આપી હતી. દરમિયાન વૃધ્ધ મિટીંગમાં પહોંચતા આ બાબતનો ખાર રાખી સોસાયટીના પ્રમુખ મેહુલ સોલંકીએ વૃદ્ધને ગાળો આપી હતી વૃદ્ધે ગાળો આપવાની ના કહેતા મેહુલ સોલંકી લાકડી લઈ વૃધ્ધને મારવા માટે દોડયો હતો. અને કહ્યું હતું કે આજે તો તને જાનથી મારી નાખવો છે જેથી સોસાયટીના અન્ય સભ્યોએ મેહુલને પકડી રાખ્યો હતો અને સોસાયટીના લોકોએ વૃદ્ધને તેમને તેમના ઘરે જતા રહેવા કહ્યું હતું. બાદમાં આ બાબતે વૃદ્ધે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃંદાવન સોસાયટીના પ્રમુખ મેહુલ સોલંકી સામે આઇપીસીની કલમ 506(2) અને 504 તથા જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.