છ વ્યાજખોરની પઠાણી ઉઘરાણી, ધમકીથી યુવાનનો આપઘાતનો પ્રયાસ
યુવાને 6થી 15 ટકાના લેખે કુલ રૂ.29.50 લાખ વ્યાજે લીધા હતા
શહેરના કોઠારિયા મેઇન રોડ, શિવપાર્ક-1માં રહેતા મોહિત જેન્તીભાઇ પરમાર નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી સોમવારે રાત્રીના તેના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગામડે ગામડે જઇ આધારકાર્ડ તેમજ પાનકાર્ડ કાઢી આપવાનું કામ કરતા યુવાને પોલીસને જણાવ્યાં મુજબ, તેને એક વર્ષ પૂર્વે કામકાજમાં નાણાંની જરૂરિયાત ઊભી થતા અતુલ ભૂત પાસેથી છ ટકાના વ્યાજે રૂ.6 લાખ લીધા હતા. તેને દર મહિને રૂ.36 હજારનું વ્યાજ ચૂકવતો હતો. ત્યારે વ્યાજ ચૂકવવામાં ખેંચતાણ આવી જતા સોહમ રાજપૂત પાસેથી અઠવાડીયે રૂ.10 હજારના વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. ત્યાર બાદ તેની જ પાસેથી વધુ બે લાખ રૂપિયા લીધા હતા. અમુ જળુ પાસેથી 15 ટકાના વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. દીપ ગઢવી પાસેથી 10 ટકાના વ્યાજે રૂ.3 લાખ લીધા હતા. રવિ જાદવ પાસેથી રોજના રૂ.4 હજારના વ્યાજે બે તબક્કે કુલ 14 લાખ લીધા હતા. વ્યાજની રકમ ચૂકવવામાં પોતે ખેંચાઇ જતો હોય એક પછી એક એમ છ વ્યાજખોરો પાસેથી કુલ રૂ.29.50 લાખ વ્યાજે લીધા હતા. દરમિયાન થોડા સમયથી પોતે આર્થિક ભીંસમાં આવી જતા વ્યાજખોરોને રકમ ચૂકવી શકતો ન હતો. જેને કારણે છએય વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. તેમને ચૂકવી આપવાનો વાયદો કરવા છતાં વ્યાજખોરો ગાળો ભાંડી જો તું વ્યાજ નહિ ચૂકવે તો તને જાનથી મારી નાંખીશુંની ધમકી આપતા રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી રોજ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી જતા પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે છ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.