સુરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનએ ઇતિહાસ રચ્યો સુરતમાં માત્ર ૧૦૦ કલાકના બાળકનું અંગદાન દેશનીપ્રથમ ઘટના - At This Time

સુરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનએ ઇતિહાસ રચ્યો સુરતમાં માત્ર ૧૦૦ કલાકના બાળકનું અંગદાન દેશનીપ્રથમ ઘટના


સુરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનએ ઇતિહાસ રચ્યો

સુરતમાં માત્ર ૧૦૦ કલાકના બાળકનું અંગદાન
દેશનીપ્રથમ ઘટના

જન્મ પછી બ્રેનડેડ જાહેર થયેલ બાળકના પરિવારે લીધો મોટો નિર્ણય

સુરતમાં રહેતા આણંદ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત રત્નકલાકારના ૧૦૦ કલાકના બાળક થકી પાંચ બાળકને નવજીવન મળશે
મીડિયાના અહેવાલો થકી પરિવાર અંગદાન વિષે અગાઉથી જાણકાર હોવાથી પોતાના બાળકના અંગદાન કરવા સંમત થયા હતા. જન્મ પછી આંખ પણ ખોલી ન શકેલા અને ધરતી ઉપર માત્ર ૧૦૦ કલાક રહીને પણ એક બાળક પાંચ બાળકોના જીવનમાં અજવાળા પાથરી ગયાની વિરલ ઘટના સુરતમાં બની છે. અમરોલી વિસ્તારમાં રહીને હીરાના કારખાનામાં નોકરી કરતાં અનુપ ઠાકોરની પત્ની વંદનાબેને બાળકને જન્મ આપ્યો. જન્મ પછી બાળક રડતું પણ ન હતું કે કોઈપણ પ્રકારની હલનચલન કરતું ન હોવાથી એને તુરંત દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામમાં દાખલ કરાયું. ત્યાં એને સાજા કરવાના અને બચાવવાના અનેક પ્રયત્ન પછી બાળકને બ્રેઇનડેડ જાહેર કરાયું હતું. એ પછી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયત્નોથી બાળકનું પરિવાર અંગદાન માટે રાજી થયું અને જન્મના માત્ર ૧૦૦ કલાકમાં એના અંગોનું દાન થયું છે.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા મળતી વિગત અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ હેમેશ ઠાકોર અને પરિવાર પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારનો અનુયાયી છે. મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેદેડાના વતની એવા અનુપસિંહ સુરતમાં રત્નકલાકાર તરીકે કાર્યરત છે. એમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્તસ્ત્રાવ વધતાં એમની પ્રસૂતિ સિઝેરીયનથી કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેંત કોઈ હલનચલન કરતું ન હતું કે જન્મ પછી એ રડ્યું પણ ન હતું. એના શ્વાસ પણ બંધ જણાતા તાત્કાલિક કતારગામની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડયું જ્યાં ડૉ. દર્શન ધોળકિયા એ બાળકના શ્વાસ બચાવવા માટે ગણતરીની ક્ષણોમાં ઇન્ટુબેશન કરીને ધબકારા નોર્મલ કર્યા હતા અને સારવાર આપવાની શરૂઆત કરી હતી. પરંતુ ૪૮ કલાક બાદ પણ બાળકમાં કોઈ ન્યુરોલોજીકલ ઈમ્પૃવમેન્ટ નહી જણાતા બાળકોના મગજના નિષ્ણાંત ડૉ.મયંક દેત્રોજાએ તપાસતા એમને બાળક બ્રેઇનડેડ જણાયું હતું. વધુ રિપોર્ટ કરાવાયા એમાં જણાયું કે બાળકના મગજમાં કોઈ એક્ટિવિટી નથી. એ જોયા પછી ડૉ.દર્શન ધોળકિયા, ડૉ. મયંક દેત્રોજા, ડૉ.સંજય કુંભાણી, ડૉ.ગૌતમ ખાખરીયાની ટીમે બાળકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.
અનુપસિંહ ઠાકોરનો પરિવાર પરિવારમાં બાળક આવ્યાની ખુશી મેળવે એ સમયે જ આઘાતમાં હતું. બાળકના બચવાની આશા ન હતી. એવા સમયે બ્રેઇન ડેડ બાળકનું પણ અંગદાન થઈ શકે છે. અંગદાન અંગે એમને વિગતવાર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડૉ.નિલેશ કાછડિયા અને વિપુલ તળાવિયાએ આપી હતી. થોડા જ દિવસ પહેલા સુરતમાં પાંચ દિવસના બાળકના અંગદાનના સમાચાર આ પરિવારે વિવિધ માધ્યમમાં જોયેલા અને જાણેલા.અનુપભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે,પ્રેસ-મીડિયામાં જોયેલા એ સમાચાર પછી અમારે પણ આવો કોઈ નિર્ણય કરવો પડશે એવી કલ્પના પણ કરી ન હતી. મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવજી મહારાજે અમને આ નિર્ણય લેવાની શક્તિ આપી. શરદપુર્ણિમાની પૂર્વસંધ્યા એ, ગીતા જયંતિના અવસરે અમે અમારા સંતાનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. એ પછી અનુપભાઇ અને એમનો સમગ્ર પરિવાર બાળકના અંગદાન માટે સંમત થયો હતો. પરિવારમાં ભાગવત ગીતાના સંસ્કારો દ્રઢ હોવાથી એની ઉપર જ વિશ્વાસ રાખીને પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને અંગદાન માટે સંમતિ આપી હતી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પી.એમ. ગોંડલિયા, વિપુલ તલાવિયા અને સમાજના અન્ય આગેવાનોની મહેનત પછી મળી રહેલા અંગોના દાન માટે પ્રથમ સોટો (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) નો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને મધર કેર હોસ્પીટલમાં ખસેડ્યું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની અને બરોળનું અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્કની મદદથી દાન લેવામાં આવી હતી બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. . જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, ઠાકોર પરિવાર દ્વારા ખૂબ મોટું ભગીરથ કાર્ય થયું છે. નવજાત બાળકના અંગોનું પણ દાન કરી શકાય એવો દાખલો ફરિવખત સુરતએ વિશ્વને આપ્યો છે. દુઃખદ બાબત એ છે કે આ દંપતીના ઘરે અગાઉ પણ પારણું બંધાતા રહી ગયું હતું. એ સમયે બાળકીનું ગર્ભમાં જ મોત થયું હતું. આવી કરુણતા વચ્ચે પણ પરિવારે અંગદાનનો નિર્ણય લઈને સમાજ અને માનવતા માટે એક ઉત્કૃષ્ટ અને અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ-કતારગામ, મધર કેર હોસ્પિટલ & ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર , ડોકટરમિત્રો, તથા IKDRC સાથે સંકળાયેલા અનેક તબીબની જાગૃતતા અને માર્ગદર્શનથી આ અંગદાન શક્ય બન્યું છે પ્રેસ-મીડિયા-ડિજિટલ પ્લેટફોર્મ થકી પરિવાર પહેલાથી જ અંગદાન વિષે જણાતું હોવાથી એમને સમજાવવું સરળ બન્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.