પુત્રની દેખભાળ રાખવા ગયેલ વૃધ્ધાના મકાનમાંથી દાગીના અને રોકડ મળી રૂ.1.92 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરને તસ્કરોએ ધમરોળ્યું હોય તેમ છેલ્લા 15 દિવસમાં નવ ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે. શહેર પોલીસ ઊંઘતી ઝડપાઇ હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. બંધ મકાનને તસ્કરો નિશાન બનાવતા હોવાથી તહેવારો પર પોતાના મકાન બંધ કરી ફરવા જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેર પોલીસનો પાનો ક્યાં ટૂંકો પડે છે, પેટ્રોલિંગમાં સ્ટાફ બેધ્યાન રહે છે કે, તસ્કરોમાં પોલીસનો કઈ ભય રહ્યો નથી. ચડ્ડી બનીયનધારી ગેંગ પકડાયા બાદ પણ હજું એવી કઈ ગેંગ સક્રિય છે તે પણ પોલીસ માટે એક પડકાર રૂપ બની રહેશે.
બનાવ અંગે ખોડિયારપરા શેરી નં.1 માં રહેતાં માલુબેન મેણંદભાઇ લાવડીયા (ઉ.વ.65) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવૃત જીવન ગાળે છે અને તેમનાં પતિનું એક વર્ષ પહેલા અવસાન થયેલ છે. સંતાનમાં ત્રણ પુત્ર છે. તેમના વચ્ચેટ પુત્રની તબિયત સારી ન હોય જેથી છેલ્લા આઠેક દિવસથી તેની દેખભાળ રાખવા માટે તેના ઘરે ગયેલ હતી. મકાનની ચાવીઓ તેમની શેરીમાં રહેતા વેવાઇને આપી હતી અને તેમની સામે રહેતાં વિજયભાઈ તેમના મકાનના મંદિરમાં ધુપ દિવા કરવા આવે છે.
ગઈકાલે સાંજના તેના વેવાઈનો ફોન આવેલ કે, તમારા મકાનના રૂમનું તાળુ તુટેલ છે. જેથી તેઓ તેના પુત્ર સાથે ઘરે આવેલ અને જોયેલ તો ઘરની ડેલીએ તાળું મારેલ હતું તથા મારા મકાનના ડાબી બાજુના રૂમનું તાળુ તુટેલ હતું.ત્યાં હાજર પડોશી વિજયભાઇએ જણાવેલ કે, તેઓ ગઈકાલે વાગ્યે ટયુશન કલાસીસ માટે આવેલ ત્યારે તેમના મકાનની ડેલીનું તાળુ મારેલ હતું અને મુખ્ય દરવાજાનું તાળુ તુટેલ હતુ અને તેમના મકાનમા જોતા કોઇ ચીઝ વસ્તુ ચોરી થયેલ ન હતી. તેમજ સામે તમારા મકાનના રૂમનું તાળુ તુટેલ હતુ.
બાદમાં ઘરનું ડેલીનું તાળુ ખોલી ઘરમા તપાસ કરતાં રૂમના દરવાજાનું તાળુ તુટેલ હતુ તથા રૂમમાં રાખેલ લાકડાના કબાટનો દરવાજો ખુલેલ હતો અને કપડા અસ્ત વ્યસ્ત હાલતમાં હતા.તેમજ બાજુમાં અન્ય કબાટમાં લોકવાળુ લોકર પણ તોડેલ હતું. કબાટના લોકરમાં રાખેલ રોકડા રૂ. 1.20 લાખ સોનાનો બે તોલાનો ચેઇન રૂ.40 હજાર, સોનાની ત્રણ વીંટી રૂ. 20 હજાર તેમજ ચાંદીના સાંકળા રૂ.5 હજાર મળી કુલ રૂ.1.92 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં એસ.એન.કે સ્કુલની પાછળ નંદી કોમ્પલેક્ષ બીજો માળ બ્લોક નં 22 માં રહેતાં પંકજભાઇ પરશોતભાઇ સુવાગીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સ્ટેશનરીની દુકાન ચલાવે છે અને તેઓના પત્ની શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેઓ પોતાની દુકાનેથી બપોરના પોતાના ઘરે ગયા ત્યારે મેઈન દરવાજાનું તાળુ તુટેલું હતુ. તેમજ ઘરમાં જઈ તપાસ કરતાં રૂમમા રાખેલ લાકડાનો કબાટ ખુલ્લો હતો અને કબાટમા રહેલ માટીનો ગલ્લો ફુટેલી હાલતમા નીચે પડેલ હતો. જેમા રાખેલ બે હજાર રૂપીયા જોવામા આવેલ નહી, તેમજ કબાટમાં ચોરખાનુ છે જેમા રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.