રાજકોટમાં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યાં બાદ 15 વર્ષની તરૂણીનું મોત: હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટમાં પુનીતનગર પાસે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યાં બાદ દુખાવો ઉપડતાં ફરીવાર ઓપરેશન કર્યું અને ત્રીજી વાર મળમાર્ગની નળી કાઢવા માટે ઓપરેશન કરતાં તેણીની તબિયત લથડતાં બે દિવસ સારવારમાં રહ્યા બાદ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે મૃતકના પરીવારજનોને હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, કણકોટ મેઈન પર મવડી ગામમાં રહેતી જ્યોતિબેન નરેશભાઈ રાઠોડ (ઉ.વ.15) ને બે માસ પેહલાં પેટમાં દુખાવો ઉપડતાં તેનું નિદાન કરાવતાં તેણીને એપેન્ડિક્સ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પુનિતનગર પાસે આવેલ આયુષ્યમાન હોસ્પિટલમાં એપેન્ડિક્સ ઓપરેશન કરાવ્યું હતું. થોડા દિવસ બાદ ફરિવાર તેને દુખાવો ઉપડતાં તેમને હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી અને તબીબોએ તપાસ કરી તેણીને આંતરડામાં કાણું હોવાનું જણાવતાં ફરીવાર તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે તેને મળમાર્ગમાં નળી ફિટ કરવામાં આવી હતી. બાદમાં ગઈ તા.10 ના મળમાર્ગની નળી કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
જે બાદ સારવારમાં રહેલ તરુણીને ન્યુમોનિયા થયો હોવાનું તબીબોએ જણાવી તેણીને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે સારવારમાં તરુણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ તેમની બહેનનું હોસ્પિટલ અને ત્યાંના તબીબોની બેદરકારીથી થયાનો આક્ષેપ કરતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પિતા મજૂરી કામ કરે છે. તેણી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી અને ત્રણ બહેન એક ભાઈમાં વચ્ચેટ હતી. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે ગમગીની છવાઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.