ગીર ગઢડામા તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો - પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા બહેનોને અપાયા ઈનામ - At This Time

ગીર ગઢડામા તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો ———- પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા બહેનોને અપાયા ઈનામ


ગીર ગઢડામા તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો
----------
પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા બહેનોને અપાયા ઈનામ
----------
મિલેટ્સના ફાયદાઓ તેમજ તૃણધાન્ય પાકની ખેતી વિશે ૭૫૦થી વધુ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન
----------
ગીર સોમનાથ, તા.૧૩: ઉચ્ચ માત્રામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વોનો ભંડાર હોય એવા પોષક ધાન્યો ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તરીકે ઓળખાય છે. મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગીર ગઢડામા પટેલ સમાજ વાડીમાં તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૭૫૦ ખેડૂતોએ હાજરી આપી હતી અને મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતી વિશે સમજ મેળવી હતી.
આ કાર્યક્રમને ઉના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું મિલેટ્સ બૂકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનારના વિષય નિષ્ણાતો દ્વારા મિલેટ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તેમજ પ્રાકૃતિક ખેતી વિષયક વિવિધ માહિતી આપવામાં આવી હતી.
આ તકે, મિલેટ ધાન્યોનું માનવ આહાર અને શરીરમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આઈ સી ડી એસ શાખાની આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટ વાનગીઓની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક થી ત્રણ નંબરે આવેલ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ તૃણધન્યોમાંથી બનાવેલ વાનગીનુ ભોજન માણ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.જી.લાલવાણીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ડાયાભાઇ ઝાલોંધરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિનિધી શ્રી પ્રકાશભાઈ ટાંક, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દ્વારકાદાસ દોમડીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ધીરુભાઈ મકવાણા, અગ્રણી સર્વે શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા, પ્રવિણભાઇ સાંખટ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભીખાભાઈ કીડેચા, તાલુકા પંચાયત સદસ્યશ્રી ઉકાભાઇ વાઘેલાએ હાજરી આપી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.