દારૂના નશામાં કારચાલક બેફામ બન્યો: ચંદ્રેશનગરમાં છ વાહનોને હડફેટે લીધાં - At This Time

દારૂના નશામાં કારચાલક બેફામ બન્યો: ચંદ્રેશનગરમાં છ વાહનોને હડફેટે લીધાં


અમદાવાદમાં તથ્યકાંડ અને બાદમાં રાજકોટમાં પણ સ્કોર્પિયો કારચાલકે કાર બેફામ ચલાવી લોકોના જીવ જોખમમાં મુકવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધું એક એવો કાંડ સહેજમાં રહી ગયો હતો. ચંદ્રેશનગરમાં દારૂના નશામાં ધુત થયેલ એક કાર ચાલકે બેફામ કાર ચલાવી છ જેટલા વાહનોને હડફેટે લઈ રૂ.1.11 લાખનું નુકશાન કર્યું હતું. બનાવથી લતાવાસીઓના જીવ અઘ્ધર થઈ ગયા હતાં. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ખીજળવાળા મેઈન રોડ પર ચંદ્રેશનગરમાં રહેતાં રવિભાઈ અરૂણભાઈ રાઠોડ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નીતીન માવજી કેલા (રહે.રામવન ગેઈટ પાસે, મૂળ ચીખલી, માળિયા), જયુ ઉર્ફે ભુરો ઘેલુ માડમ અને જય ઉર્ફે ભુરોનો મીત્રનું નામ આપ્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાની આસપાસ તેઓ શેરીમાં પડોશીઓ સાથે બેઠા હતા ત્યારે ખીજડાવાડા રોડ ઉપરથી શેરી તરફ વળાંક વળીને એક સફેદ કલરની કાર પુરઝડપે ઘસી આવેલ અને શેરીમાં પડેલા વાહનોને હડફેટે લીધેલા હતાં. જેથી ત્યાં બેસેલ લોકોએ સફેદ કલરની કારનો પીછો કરેલ અને તેને રોકવા માટે ઈશારો કરતા કારચાલકે કાર પુરઝડપે ચલાવી
ત્યાં ઉભેલા લોકો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ કારચાલક શેરીમાંથી ડાબી તરફ વળી જતા શેરી બંધ હોય જેથી ત્યા તેની કાર ફસાઈ ગયેલ હતી. જેથી તેની પાછળ દોડીને જતા કારમાથી બે શખ્સો ઉતરી ભાગી ગયેલ હતાં. આઈ-20 કાર નં. જીજે.36.એસી.7341 ના ડ્રાઈવર શીટ ઉપર બેસેલ શખ્સને કારમાથી બહાર કાઢી તેનું નામ પૂછતાં નીતીન માવજી કેલા જણાવેલ અને તેની સાથેના શખ્સોમાં એક જય ઉર્ફે ભુરો ઘેલુભાઈ માડમ તથા જય ઉર્ફે ભુરોનો મીત્ર હોવાનું જણાવ્યું હતું.
કાર ચાલકને બહાર ઉભો રાખતા પોતાના શરીરનું સમતોલ પણ જાળવી શકતો ન હોય અને લથડીયા ખાતો હોય તે કેફી પ્રવાહી પીધેલ હોય અને તેની સાથેના કારમાંથી ભાગી ગયેલા બને શખ્સો પણ દારુ પીધેલ હાલતમાં હોવાનું જણાવતાં 100 નંબર ઉપર પોલીસને ફોન કરતા પોલીસ આવી ગયેલ હતી. બાદમાં શેરીમાં તપાસ કરતા શેરીમાં પાર્ક કરેલ છ વાહનોને કાર ચાલકે ઠોકરે ચડાવી કુલ રૂ.1.11 લાખનું નુકસાન કર્યાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ સદોષ હત્યા કરવાનો પ્રયાસ, મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી નાસી છૂટેલા બે શખ્સોની ધરપકડ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.