દિકરીની કોલેજ ફી ભરવા રૂપિયાની વ્યવસ્થા ન થતાં નિવૃત્ત આર્મીમેને લમણે ગોળી ધરબી આપઘાત કર્યો
શહેરના કાલાવડ રોડ પર આવેલ જુના બૌધ્ધ વિહારની સાઇટ પર લવ ટેમ્પલ સામે સિક્યુરીટી એજન્સીમાં ગનમેન તરીકે નોકરી કરતાં નિવૃત્ત આર્મીમેને પોતાની લાયસન્સવાળી બંદૂકથી લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક પાસે તેની દિકરીની કોલેજ ફી ભરવાના રૂપિયા ન હોવાથી આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. આ અંગે મૃતકના પરિવારજનો અને યુનિવર્સિટી પોલીસ તરફથી મળેલી વિગત મુજબ મૃતકનું નામ મનીષભાઇ રવજીભાઇ વારા (ઉ.વ. 50) છે.
તે પોતાના પત્ની, એક દિકરો અને એક દિકરી સાથે શહેરના રૈયા રોડ પર હનુમાનમઢી ચોક પાસે આવેલ તિરૂપતિનગર શેરી નં.1માં રહેતા હતા અને કાલાવડ રોડ પર જડુસ હોટલ સામે જુના બૌધ્ધ વિહારમાં ગનમેન તરીકે નોકરી કરતાં હતાં. મનીષભાઇ સૈનામાં ફરજ બજાવી વર્ષ 2021માં નિવૃત્ત થયા હતાં. જે પછી શ્રીરાજ સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરતાં હતાં. એજન્સી તેમને જુદી-જુદી જગ્યાએ સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ આપતી હોય છે, ગઇકાલે રાત્રે તેમની નોકરી જુના બૌધ્ધ વિહાર ખાતેની સાઇટ પર હતી.
રાત્રે 10 વાગ્યે તેઓ પોતાના ઘરેથી નોકરીના સ્થળ પર પહોંચ્યા હતાં અને તેના સાથી કર્મચારી વલ્લભભાઇને વાત કરી હતી કે તેમની દિકરી મહેક ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરે છે આવતીકાલે એટલે કે મંગળવારે દિકરીની કોલેજ ફીના 40 હજાર રૂપિયા ભરવાના છે. પરંતુ હાલ તેમની પાસે રૂપિયા નથી. આ ચિંતા વ્યકત કર્યા બાદ બંને કર્મચારીઓ નોકરીના સ્થળ પર જ સુવા માટે ગયા હતાં. વલ્લભભાઇને નિંદર ન આવવાની બીમારી છે તેથી તેઓ ઉંઘની ગોળી લઇને સુઇ ગયા હતાં. આ સાઇટ પર બાજુમાં એક બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે.
જેથી સાઇટ પરનો એક મજુર વહેલી સવારે 5-30 કલાકે પાણીની મોટર ચાલુ કરવા માટે જ્યાં વલ્લભભાઇ સુતા હતા ત્યાં આવે છે અને મોટર ચાલુ કરે છે દરમિયાન તેમનું ધ્યાન જમીન પર સુતેલા મનીષભાઇ ઉપર જાય છે, મનીષભાઇના કાનમાંથી અને ચહેરા પર લોહી જુએ છે અને સ્થળ પર લોહીનું ખાબોચ્યુ ભરેલું જોઇ તુરંત વલ્લભભાઇ પાસે જાય છે અને તેમને ઉઠાડી આ વાતની જાણ કરે છે. વલ્લભભાઇ તુરંત પોતાની એજન્સીના મયુરસિંહ રાણાને બનાવની જાણ કરે છે અને મનીષભાઇના પરિવારને આ અંગે માહિતી આપી, 108માં ફોન કરે છે. આ દરમિયાન મનીષભાઇના પરિવારજનો અને પોલીસ તેમજ સિક્યુરીટી એજન્સીના સંચાલકો દોડી આવે છે.
108 એમ્બ્યુલન્સના ઇએમટી ડોકટ્રે સ્થળ પર જ મનીષભાઇને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મનીષભાઇએ પોતાની લાયસન્સવાળી બંદુકથી પોતાના લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મોડી રાતથી લઇ વહેલી સવાર સુધીમાં આ બનાવ બન્યો હોવાની શક્યતા છે. વલ્લભભાઇ ઉંઘની ગોળી લઇ સુતા હોવાથી તેમનું કહેવું છે કે ફાયરીંગ થયાનો અવાજ તેણે સાંભળ્યો ન હતો. બનાવ બનતા યુનિવર્સીટી પોલીસના પીઆઇ બી.પી. રજ્યા, પીએસઆઇ બોદર, એએસઆઇ હાર્દિકભાઇ રવૈયા સહિતના દોડી ગયા હતાં. સ્થળ પર પંચનામુ વગેરે પ્રક્રિયા કરી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલના પીએમ રૂમ ખાતે ખસેડ્યો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મનીષભાઇએ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ અંતિમ પગલું ભર્યું હતું. સ્યુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ પોતાની મરજીથી આ અંતિમ પગલું ભર્યું છે. તેમાં અન્ય કોઇપણ વ્યકિતનો દોષ નથી. સ્યુસાઇડ નોટમાં તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આર્મીમેન તરીકે પોતાની ઉત્તમ સેવા આપ્યા બાદ પણ સિક્યુરીટી ગાર્ડ તરીકેની નોકરી કરવી પડી રહી છે. સાથે આર્થિક ભીંસ અંગે પણ ઉલ્લેખ થયો છે.
મનીષભાઇના પરિવારજનો પાસેથી મળેલી વિગતો મુજબ વર્ષ 2021માં મનીષભાઇ નિવૃત થયા બાદ આ રીતે છુટક સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સંતાનોના અભ્યાસ માટે ખર્ચ થતો અને પરિવારના ખર્ચ પણ હોય ઘરમાં આર્થિકભીંસ રહેતી હતી. મનીષભાઇ ત્રણ ભાઇઓમાં એક બહેનમાં નાના હતાં. તેમના આપઘાતથી ધોબી પરિવારમાં કલ્પાંત છવાયો છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.