રાજકોટમાં પત્રકારના મકાનમાં તસ્કરોનો હાથફેરો:સોનાના દાગીના અને રોકડની ચોરી
રાજકોટમાં તસ્કરો પોલીસના ખૌફ વગર સમયાંતરે બિન્દાસ મકાન, કારખાના, દુકાન, શો-રૂમમાંથી ચોરીને અંજામ આપી હવામાં ઓગળી જતાં હોય છે. ત્યારે રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર શેરી નં.1 માં રહેતાં હેલ્લો સૌરાષ્ટ્રના માલિક કુલદીપસિંહ જાડેજાના મકાનમાં મોડી રાતે તસ્કરો ત્રાટકયા હતાં અને તેઓના રૂમમાં કબાટમાં રાખેલ અંદાજીત છ તોલા સોનું અને રોકડ મળી કુલ રૂ.3.50 લાખનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે પોપટપરા મેઇનરોડ પર કૃષ્ણનગર -1 માં રહેતાં નિવૃત્ત પટાવાળા અનિરૂદ્ધસિંહ દીપુભા જાડેજા (ઉ.વ.57) એ પોલીસને આપેલ વિગતમાં જણાવ્યું હતું કે,
તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેઓના ભત્રીજા કુલદીપસિંહ ખુમાનસિંહ જાડેજા હેલ્લો સૌરાષ્ટ્ર ન્યૂઝના માલિક છે. કુલદીપસિંહના પત્ની છોટાઉદેપુર ખાતે નોકરી કરતાં હોય તેમને ત્યાં મકાન ફેરવવાના કામ માટે રાતે 10 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતાં. જે બાદ ફરિયાદી પોતે રાતે એક વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યા હતાં. બાદમાં રૂમના દરવાજા ખુલ્લા રાખી પરિવાર સુઈ ગયો હતો. ફરિયાદી અને તેનો પરિવાર વ્હેલી સવારે જોયું તો તેઓના ભત્રીજા કુલદીપસિંહના રૂમમાં રહેલ કબાટ ખુલ્લો હતો અને તેમાં રહેલો માલસામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો. તેમજ કબાટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી.
જેથી બનાવ અંગે કુલદીપસિંહને જાણ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, કબાટમાં રોકડ 40 હજાર રૂપિયા હતાં અને તેમની પિતરાઈ બહેનના જન્મ દિવસ માટે સોનુ ખરીદેલ હતું. જેમાં સાત જોડી બુટી, સોનાનો ચેઇન અને એક પેન્ડલ મળી અંદાજીત છ તોલા સોનુ હતું. જેથી તપાસ કરતાં કોઈ અજાણ્યાં શખ્સો મકાનની અગાસી પરથી ઘરમાં પ્રવેશ કરી ખુલ્લા રૂમમાં જઈ કબાટમાંથી સોનના દાગીના અને રોકડ મળી અંદાજીત રૂ.3.50 લાખનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શેરીના સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
મોડી રાતે પોપટપરા વિસ્તારમાં પત્રકારના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડની ચોરી તો કરી જ પણ સાથે સાથે કુલદીપસિંહના આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને પાનકાર્ડની ચોરી પણ કરી હતી. પરંતુ તે કાર્ડ તસ્કરો પડોસીની અગાસી પર ફેંકીને ચાલ્યા ગયાં હતાં.
શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પોપટપરા વિસ્તારમાં એક જ માસમાં ત્રણ ચોરીના બનાવો સામે આવતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી અને તસ્કરોએ તેનું કામ પાર પાડ્યું હતું. 20 દિવસ પહેલા ધોળા દિવસે એક ગેરેજમાંથી તસ્કરે હાથફેરો કર્યો હતો. જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયાં હતાં. જ્યારે પંદર દિવસ પેહલાં કૃષ્ણનગરમાંથી જ તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજીત દોઢ લાખની ચોરી કર્યાનું સામે આવ્યું હતું. સતત તસ્કરો પોપટપરા વિસ્તારને બાનમાં લઈ બેઠા છે ત્યારે સ્થાનિક પોલીસ તો નિંદ્રામાં છે પણ ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચ પણ ઘટના ઘટી જાય પછી દોડતી થાય છે. ચોરીના સતત બનાવોથી નજીકમાં આવતા તેહવારોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.