રાજકોટ:લાયસન્સ વગર વાહન ચલાવતો તરુણ પકડાશે તો પોલીસ ગુનો દાખલ કરશે - At This Time

રાજકોટ:લાયસન્સ વગર વાહન ચલાવતો તરુણ પકડાશે તો પોલીસ ગુનો દાખલ કરશે


રાજકોટમાં વસતા વાલીઓ જો પોતાના તરુણ સંતાનને લાયસન્સ વગર વાહન ચલાવવા આપતા હોય તો તેઓ ચેતી જાય. કારણ કે, આવા કિસ્સામાં પોલીસ ગુનો દાખલ કરશે, એટલું જ નહીં, જો લર્નિંગ લાયસન્સ હશે તો પણ વાહન ચલાવતી વખતે કોઈ લાયસન્સ ધારકને સાથે રાખવા પડશે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરેલ ઝુંબેશની વિગત મુજબ આગામી સમયમાં ટ્રાફિક પોલીસ કડક હાથે કામ લઈ ખાસ કાર્યવાહી કરશે.

લર્નિંગ લાયસન્સ ઉપર એકલા સ્કુલ અને કોલેજે વાહન ચલાવી જતા 16 થી 18 વર્ષના ટાબરિયા અને તેના વાલી સામે ગુનો નોંધાશે. ડીસીપી પૂજા યાદવે નિવેદનમાં જણાવ્યું કે, એમવીએક્ટ હેઠળ કોઇપણ જવાબદાર લાયસન્સ ધારકને સાથે રાખ્યા વગર એકલા લર્નિંગ લાયસન્સ ઉપર વાહન ચલાવવું ગુનો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરની સ્કૂલ - કોલેજો બહાર પોલીસે ખાસ ડ્રાઇવ યોજી અનેક તરુણ સ્ટુડન્ટને વગર લાયસન્સએ પકડ્યા હતા. તે સમયે અમુક વાલીઓને ચેતવણી અપાઈ હતી. ઉપરાંત અમુક સામે કેસ થયા હતા. આ સિવાય ટ્યુશનમાં પણ અનેક વિધાર્થીઓ લર્નિંગ લાયન્સ કઢાવી વાહનો લઇને જાય છે. આ તરફ વાલીઓ પોતાનું અને બાળકનું સ્ટેટસ દેખાડવા, દેખાદેખીમાં પોતાના સંતાનોને વાહન આપી દે છે.

એવા કેટલાય વિદ્યાર્થીઓ હોય છે જે હજુ લર્નિંગ લાયસન્સને લાયક પણ નથી થયા હોતા. આ બાળકો અકસ્માત સર્જી શકે છે. ટ્રાફીક પોલીસે આ બાબતે હવે સતર્કતા દાખવવાનું નક્કી કરી લીધું છે. પોલીસે જાગૃતિ માટે શાળા કોલેજોમાં સેમિનાર પણ કર્યા હતા. જોકે, વાલીઓ નહીં સમજે ત્યાં સુધી આ અંગે ઉકેલ નહીં આવે તેવો ખ્યાલ જણાતા હવે ટ્રાફિક બ્રાંચના ડીસીપી પૂજા યાદવે વાલીઓને ચેતવણી આપી છે કે, લર્નિંગ લાયસન્સ ઉપર એકલા સ્કુલ અને કોલેજે કે ટ્યુશનમાં વાહન ચલાવી જતા 16 થી 18 વર્ષના ટીનેજરને ચેકિંગ દરમિયાન પકડવામાં આવશે તો આ સગીર અને તેના વાલી સામે ગુનો નોંધવામાં આવશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.