ત્રણ જુદી-જુદી જગ્યાએ એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતાં 3 લોકો મોતને ભેંટ્યા, પરિવારમાં શોકનો માહોલ
રાજકોટ શહેરમાં આજે વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે કેન્સર હોસ્પિટલ પાછળ તિરુપતિ સોસાયટીમાં રહેતાં કિશન કિરીટભાઇ ધાબલીયા (ઉં.વ.26) નામના યુવાનને સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. મૃતક બે ભાઇમાં મોટો હતો અને HDFC બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતો હતો. જેને હાર્ટએટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતાં રાજેન્દ્રસિંહ ગજુભા વાળા (ઉં.વ.40) નામનો યુવાન સવારે ઘરે હતો. ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતક રાજેન્દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે.
ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર અવધ હાઉસિંગ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં મહેન્દ્ર નાથાભાઇ પરમાર (ઉં.વ.41) ગઇકાલે સાંજે ઘરે હતો. ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મહેન્દ્ર પ્રાઇવેટ નોકરી કરતો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યુ હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.