ગોંડલ ચોકડી પાસે મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં તસ્કરો ત્રાટકયા: રૂ.8.79 લાખ રોકડની ચોરી - At This Time

ગોંડલ ચોકડી પાસે મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં તસ્કરો ત્રાટકયા: રૂ.8.79 લાખ રોકડની ચોરી


તહેવારો દરમિયાન વતન અને ફરવા જવા માટે નીકળતાં લોકોના ઘણાં દિવસો માટે બંધ રહેતા મકાનો અને દુકાનોમાં તસ્કરો હાથ ફેરો કરી નાસી છૂટતાં હોવાનો બનાવો સામે આવતા હોય છે. તેવો જ બનાવ ગોંડલ ચોકડી પર આવેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ઓથોરાઇઝડ ડિલર માર્શલ ટ્રેડીંગ કંપનીના શો-રૂમમાં જન્માષ્ટમીના તહેવારમાં ત્રાટકેલા તસ્કરો રૂા. 8.79 લાખની રોકડ ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની ભાળ મળતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરી છે.બનાવ અંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ઓથોરાઇઝડ ડિલર માર્શલ ટ્રેડીંગ કંપનીના જનરલ મેનેજર કીર્તિકુમાર અશ્વિનભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શો-રૂમ જન્માષ્ટમીના તહેવારોને કારણે ગઇ તા. 6 થી 10 સુધી બંધ હતો. આ સમયગાળા દરમિયાન શો-રૂમના માલિકની ચેમ્બરમાં આવેલી બારીની ગ્રીલના સળિયા કોઇ સાધન વડે કાપી તસ્કરો અંદર ત્રાટકયા હતા. તસ્કરો શો- રૂમના માલિકની ઓફિસમાં ખાખાખોળા કર્યા હતાં. પરંતુ કાંઇ મળ્યું ન હતું. ત્યારબાદ તસ્કરો શો-રૂમના ઉપરના ભાગે આવેલ એકાઉન્ટ વિભાગની ઓફિસમાં રહેલી તિજોરી તોડી તેમાંથી રૂ.8.79 લાખ ચોરી ગયા હતા.
આ રકમ ગાડીના વેચાણ અને બુકીંગ પેટે આવેલી હતી. આજે સવારે કંપનીના કોમર્શિયલ મેનેજર જણાવ્યું હતું કે, જે તિજોરીમાંથી ચોરી થઇ હતી તે બંધ હતી. તેમાં ચાવી લાગતી ન હતી. જેથી તિજોરીના ઉપરના લોકને ચાવી વડે ખોલતા અંદરથી રકમ ગાયબ મળી હતી. શો-રૂમના માલિકની ઓફિસમાં માત્ર ફાઈલો હોવાથી તે યથાવત સ્થિતિમાં મળી આવી હતી. હાલ તાલુકા પોલીસ મથકના પીઆઇ વિ. આર. પટેલની રાહબરીમાં સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ આગળ ધપાવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.