બોટાદના બે શખસો 6 જિલ્લામાંથી તડીપાર
બોટાદના બે શખસો 6 જિલ્લામાંથી તડીપાર
બોટાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં હત્યા, લૂંટ, ચોરી, મારામારી, ધાકધમકી અને હનીટ્રેપ જેવા ગુનાઓમાં વધારો થતા પોલીસ એલર્ટ થઈ છે અને આવા ગુનાને ડામવા પોલીસે કમર કસી છે. ત્યારે શહેરમાં મારામારી, ધાકધમકી અને હની ટ્રેપ જેવા અનેક ગુનામાં સંડોવાયેલા બે શખસોને બોટાદ પોલીસે બે વર્ષની મુદ્દત માટે 6 જિલ્લામાંથી તડીપાર કરતા ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો છે.
બોટાદ શહેરનાં ઢાંકણીયા રોડ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા રમેશ ઉર્ફે ભટ્ટી રસીકભાઇ ગોહીલ જે મારામારી, ધાકધમકીના અનેક ગુનામાં સંડોવાયેલા છે. તેમજ બોટાદ શહેરનાં ખોડીયાર નગર 1, હરભોલે સોસાયટીમાં રહેતા પ્રકાશ ઉર્ફે પોપટ રમેશભાઇ ચૌહાણ જે હનીટ્રેપ, મારામારી, ધાકધમકીના અનેક ગુનામાં સંડોવાયેલા છે. બંને શખસો સતત ગુનાહિત પ્રવૃતિ આચરતા હતા જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવતી હતી.
બંને ભયજનક વ્યક્તિઓ હોવાથી બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની સુચનાથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બોટાદની કચેરીએ મોકલેલા. જે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દીપક સતાણીએ શહેરનાં બંને માથાભારે તત્વોને બે વર્ષની મુદ્દત માટે બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, અમદાવાદ જિલ્લાની સમગ્ર હદમાં નહીં પ્રવેશવા હુકમ કરતા બંને શખસોને બોટાદ પોલીસે વોરન્ટની બજવણી કરી હદપાર કર્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.