રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળેલા છોડ ગાંજો જ હોવાનું સાબિત
રાજકોટની ભાગોળે આવેલી પ્રતિષ્ઠિત મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગત 13 એપ્રિલે શંકાસ્પદ છોડવા મળી આવ્યા હતા જે ગાંજો હોવાની વાતો વહેતી થઈ હતી જેના આધારે પોલીસ દ્વારા છોડવા ગાંજાના છે કે કેમ તેની ખરાઈ કરવા માટે નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેનો સાડા ત્રણ મહિને રિપોર્ટ આવ્યો છે અને તે છોડ ગાંજાના જ હોવાનું ખુલતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અહીં મહત્ત્વની વાત એ છે કે કેમ્પસમાં જ આઠ કિલોથી વધુ ગાંજાનું વાવેતર થઈ ગયું છતાં તેની કોઈને ખબરસુદ્ધા પડી ન્હોતી !
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ગત તા.13-4-2023ના રાત્રે 11:58 વાગ્યાના અરસામાં કૂવાડવા પોલીસ મથકની હદમાં આવેલા મારવાડી યુનિવર્સિટી કેમ્પસના ‘સી’ વિંગ બિલ્ડિંગની પાછળની દિવાલ પાસેના બગીચામાં છોડવા મળી આવ્યા હતા. જ્યારે આ છોડવા મળ્યા ત્યારે તે ગાંજો જ હોવાની વાતે જોર પકડી લીધું હતું પરંતુ પોલીસે ત્યારે સત્તાવાર જાહેરાત કરવાને બદલે એફએસએલમાં નમૂના મોકલીને તેના રિપોર્ટ આવે તે વાત પર ભાર મુક્યો હતો.
દરમિયાન ગઈકાલે એફએસએલમાંથી રિપોર્ટ આવી ગયો છે અને કેમ્પસમાંથી મળી આવેલા છોડવા કે જેનો વજન 8.330 કિલોગ્રામ અને કિંમત 83300 જેટલી થાય છે તે તમામ ગાંજા (કેનાબીસ)ના જ હોવાનું ખુલ્યું છે ત્યારે આ મામલે કૂવાડવા પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈએ ફરિયાદી બની અજાણ્યા શખ્સ સામે બગીચામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરવા બદલ ફરિયાદ નોંધાવી તેની શોધખોળ હાથ ધરી છે.
હવે અહીં એ જોવું રસપ્રદ બની રહેશે કે આટલો ગાંજો એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાંથી મળી આવ્યો છે ત્યારે આ કૃત્ય કોણે આચર્યું છે તેના મુળ સુધી પોલીસ પહોંચી શકશે કે પછી ‘કહેવાતી’ તપાસ કરીને શોધખોળ ચાલી રહી છે તેવું જ નિવેદન આપ્યા કરશે ? આ ઘટના બન્યાને સાડા ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવાને કારણે હવે આરોપી સુધી પહોંચવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન કામ બની રહેશે. બીજી બાજુ પોલીસ દ્વારા અત્યારે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ કેમ્પસ આસપાસ યોગ્ય રીતે સીસીટીવી ન હોવાની વાત પણ સામે આવી રહી છે ત્યારે હવે આ મામલાનો ભેદ ક્યારે ઉકેલાશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.