મેવાત ગેંગે રાજકોટમાં એટીએમ તોડ્યું’તું, એક આરોપી ઝડપાયો - At This Time

મેવાત ગેંગે રાજકોટમાં એટીએમ તોડ્યું’તું, એક આરોપી ઝડપાયો


તસ્કર ગેંગ સ્કોર્પિયોમાં ભાગી હતી

ઝડપાયેલો શખ્સ સાત દી’ના રિમાન્ડ પર

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર કણકોટ નજીક બેંકનું એટીએમ તોડી રૂ.6.25 લાખની ચોરી કરીને ભાગેલી તસ્કર ગેંગનો પોલીસે ભાંડાફોડ કરી એક શખ્સને ઝડપી લીધો હતો. એટીએમ તોડવામાં મેવાત ગેંગની સંડોવણી ખૂલતા તેના સૂત્રધારોને પકડવાની કવાયત શરૂ કરી હતી.

કણકોટ નજીક એન્જિનિયરિંગ કોલેજ પાસે દીપજ્યોત કોમ્પ્લેક્સમાં આવેલા યુનિયન બેંકના એટીએમને ગત તા.15ની રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગેસ કટરથી એટીએમ તોડી નાખવામાં આવ્યું હતું તે વખતે જ તાલુકા પોલીસની પીસીઆરવેન ત્યાંથી પસાર થતાં પોલીસ કર્મચારીએ એટીએમમાં રહેલા શકમંદોને ટપારતા તસ્કરો સ્કોર્પિયોમાં ભાગ્યા હતા.

પોલીસે પીછો કર્યો હતો, પરંતુ તસ્કરો નાસી છૂટવામાં સફળ થયા હતા. તસ્કર ગેંગ ભાગી તેની સાથે એક આઇ-20 કાર પણ હોવાના પુરાવા પોલીસને ફૂટેજ પરથી મળ્યા હતા અને તે કારના નંબરને આધારે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ યુપીના મેરઠ ગડ રોડ પર મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા લેબ ટેક્નિશિયન સંદીપ દેવેન્દ્ર રામફલ કશ્યપ (ઉ.વ.27) સુધી પહોંચી ગઇ હતી. પોલીસે સંદીપ કશ્યપને રાજકોટ લઇ આવી પૂછપરછ કરતાં તેણે એટીએમ તોડવાના ગુનાની કબૂલાત અાપી હતી. પોલીસે સંદીપને સાત દિવસના રિમાન્ડ પર લીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.