આંતરરાષ્ટ્રીય મિલેટ (શ્રી અન્ન) વર્ષ - At This Time

આંતરરાષ્ટ્રીય મિલેટ (શ્રી અન્ન) વર્ષ


આંતરરાષ્ટ્રીય મિલેટ (શ્રી અન્ન) વર્ષ

મધુપ્રમેહનું જોખમ ઘટાડે, હ્યદય રોગ અટકવવામાં ઉપયોગી એવા 'શ્રી અન્ન' એ પોષક તત્વોનો ભંડાર છે

ખોરાકમાં શ્રી અન્નનો ઉપયોગ કરવાથી પ્રોટીન, ચરબી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલેરી, કેલ્શિયમ, લોહતત્વ મળે છે, મિલેટ્સના અનેકવિધ ગુણકારી ફાયદાઓ

જુવાર, બાજરી, નાગલી, કાંગ, કોદરા સહિતનાપોષક અનાજ એ
મૂળ ભારતના છે અને તેમાં રહેલા પોષક તત્વો માનવ શરીરના સામાન્ય કાર્ય માટે જરુરી છે

પોષણના માપદંડોની દ્રષ્ટિએ મિલેટ ચોખા અને ઘંઉ કરતાં વધુ પૌષ્ટિક

સંકલન અને આલેખનઃ જય મિશ્રા, જિલ્લા માહિતી કચેરી, અમરેલી

અમરેલી તા.૨૭ જુલાઈ, ૨૦૨૩ (ગુરુવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિલેટ્સને આંતરાષ્ટ્રીય ઓળખ મળે અને તેનો પ્રચાર-પ્રસાર થાય તેવા હેતુથી કરવામાં આવેલી હિમાયતની સફળતાને પગલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ (શ્રી અન્ન) વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મિલેટ્સ એટલે કે આપણા પારંપારિક જાડા ધાન્યનો ખોરાકમાં ઉપયોગ વધે તેવા હેતુથી દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા મિલેટ્સના ગુણકારી ફાયદાઓની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. આ કડીના ભાગરુપે સંકલિત બાળ વિકાસ યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા તાજેતરમાં જ રાજ્યમાં મિલેટ્સ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. શ્રી અન્નની વિવિધ વાનગીઓ બનાવી લોકો સુધી તે વાનગીની વિવિધતાઓ અને તે ધાન, મિલેટ્સના ફાયદાઓ વિશે નાગરિકો જાગૃત્ત થાય, તેનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરે તે માટે પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આંગણવાડીના વિવિધ ઘટકનાં બહેનો દ્વારા મિલેટ્સમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં જ્યારે આપણા 'શ્રી અન્ન' વિશેની જાગૃત્તિ પ્રસરી રહી છે ત્યારે 'શ્રી અન્ન'માં રહેલા પોષક તત્વો વિશે જાણવું જરુરી છે. જાડા ધાન્ય એટલે કે 'શ્રી અન્ન'માં મોટા મિલેટમાં જુવાર અને બાજરીનો સમાવેશ થાય છે. જ્યારે ફિંગરમિલેટ એટલે રાગી/નાગલી, ફોક્સટેલમિલેટ એટલે કાંગ/ઈટાલિયનમિલેટ, લિટલમિલેટ એટલે ગજરો/કુરી, કોદોમિલેટ એટલે કે કોદરા, બાર્નયાર્ડમિલેટ એટલે સામો, પ્રોસોમિલેટ એટલે ચીનો/ સામાન્ય મિલેટ, અને બ્રાઉન ટોપ મિલેટમાં હરીકાંગનો વર્ગીકરણ મુજબ સમાવેશ થાય છે.
મિલેટ નાના દાણાવાળા અનાજના ખાદ્ય પાકોનો સમૂહ છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોની ખૂબ ઓછી જરુરિયાત સાથે ઓછી ફળદ્રુપ જમીનમાં પણ મિલેટ ઉગાડવામાં આવે છે. આ પાકો મોટાભાગે દેશની ખાદ્ય અને પોષણ સુરક્ષામાં મહત્વનો ફાળો આપે છે. મોટાભાગના મિલેટ પાકો મૂળ ભારતના છે અને પોષક અનાજ તરીકે જાણીતા છે કારણ કે, તે માનવ શરીરના સામાન્ય કાર્ય માટે જરુરી છે તેવા મોટાભાગના પોષક તત્વો પૂરા પાડે છે.
મિલેટએ પૈાષ્ટિક ખોરાક છે, તેના વાવેતરમાં અન્ય અનાજ કરતા ઓછું પાણી વાપરવામાં આવે છે. મિલેટ ઝડપથી વધે છે અને પર્યાવરણ પર ઓછું ભારણ થાય છે. વધુમાં આ પાકોમાંજીવાતો અને રોગની પણ ખાસ સમસ્યા સર્જાતી નથી. મિલેટ સીમાંત જમીનમાં પણ ઉગી શકે છે. મિલેટ્સ આપણા ખોરાકમાં પોષણ સુરક્ષાને પૂર્ણ કરે છે. ખેડૂતોની આવકને પૂરક બનાવવા ઉપરાંત મિલેટ પશુઓ માટે ઘાસચારો પણ પૂરો પાડે છે.
પોષણના માપદંડોની દ્રષ્ટિએ મિલેટ ચોખા અને ઘંઉ કરતાં વધુ પૌષ્ટિક છે. દરેક મિલેટમાં ચોખા અને ઘંઉ કરતાં વધુ ફાઇબર હોય છે. કેટલાક મિલેટમાં તો ચોખા કરતાં ૫૦ ગણું વધારે ફાઇબર હોય છે. ફિંગરમિલેટમાં ચોખા કરતાં ૩૦ ગણું વધુ કેલ્શિયમ હોય છે. જ્યારે બીજા દરેક મિલેટમાં ચોખાની સરખામણીએ બમણું કેલ્શિયમ હોય છે. ફોક્સટેલ અને નાના મિલેટ આયર્ન તત્વોથી એટલા સમૃદ્ધ છે કે તેમાં સમાવિષ્ટ આયર્ન જેટલું પ્રમાણ ચોખામાં પણ નથી. મિલેટ ધાન્યમાં બીટાકેરાટીન જેવા સૂક્ષ્ણ પોષક તત્વો પુષ્કળ માત્રામાં છે. આમ,પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો દરેક મિલેટ ચોખા અને ઘંઉ કરતાં અસાધારણ રીતે શ્રેષ્ઠ છે તેથી તે કુપોષણને દૂર કરવા માટે ચાવીરુપ છે.
મિલેટના પોષક તત્વો : મિલેટમાં ભરપૂર પોષક તત્વો છે. જેમાં જુવારમાં ૯.૯૭ ગ્રામ પ્રોટીન, ૧.૭૩ ગ્રામ ચરબી, ૧૦.૨૨ ગ્રામ ફાઇબર, ૬૭.૬૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૩૯૮ કિલો કેલેરી, ૨૭.૬ મિલી ગ્રામ કેલ્શિયમ, ૩.૯૫ મિલી ગ્રામ લોહતત્વ હોય છે. બાજરીમાં ૧૦.૯૬ ગ્રામ પ્રોટીન, ૫.૪૩ ગ્રામ ચરબી, ૧૧.૪૯ ગ્રામ ફાઇબર, ૬૧.૬૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૪૫૬ કિલો કેલેરી, ૨૭.૩૫ મિલી ગ્રામ કેલ્શિયમ, ૬.૪૨ મિલી ગ્રામ હોય છે. નાગલી, બાવટોમાં ૦૭.૧૬ ગ્રામ પ્રોટીન, ૧.૯૨ ગ્રામ ચરબી, ૧૧.૧૮ ગ્રામ ફાઇબર, ૬૬.૮૨ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૩૪૨ કિલો કેલેરી, ૩૬૪ મિલી ગ્રામ કેલ્શિયમ, ૪.૬૨ મિલી ગ્રામ હોય છે. કાંગમાં ૧૨.૩ ગ્રામ પ્રોટીન, ૪.૩૦ ગ્રામ ચરબી, ૦૦ ગ્રામ, ફાઇબર, ૬૦.૦૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૩૩૧ કિલો કેલેરી, ૩૧.૦ મિલી ગ્રામ કેલ્શિયમ, ૨.૦૮ મિલી ગ્રામ હોય છે. ચિનોમાં ૧૨.૫ ગ્રામ પ્રોટીન, ૧.૧૦ ગ્રામ ચરબી, ૦૦ ગ્રામ ફાઇબર, ૭૦.૦૪ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૩૪૧ કિલો કેલેરી, ૧૪.૦ મિલી ગ્રામ કેલ્શિયમ, ૦.૦૮ મિલી ગ્રામ હોય છે. કોદરામાં ૮.૯૨ ગ્રામ પ્રોટીન, ૨.૫૫ ગ્રામ ચરબી, ૬.૩૯ ગ્રામ ફાઇબર, ૬૬.૧૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૩૮૮ કિલો કેલેરી, ૧૫.૨૭ મિલી ગ્રામ કેલ્શિયમ, ૨.૩૪ મિલી ગ્રામ હોય છે. ગજરો, કુરીમાં ૧૦.૧૩ ગ્રામ પ્રોટીન, ૩.૮૯ ગ્રામ ચરબી, ૭.૭૨ ગ્રામ ફાઇબર, ૬૬.૫૫ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૪૪૯ કિલો કેલેરી, ૧૬.૦૬ મિલી ગ્રામ કેલ્શિયમ, ૧.૨૬ મિલી ગ્રામ હોય છે. સામોમાં ૦૬.૦૨ ગ્રામ પ્રોટીન, ૨.૨૦ ગ્રામ ચરબી, ૦૦ ગ્રામ ફાઇબર, ૬૫.૦૫ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૩૦૭ કિલો કેલેરી, ૨૦.૦ મિલી ગ્રામ કેલ્શિયમ, ૫.૦ મિલી ગ્રામ હોય છે. ચોખામાં ૦૭.૯૪ ગ્રામ પ્રોટીન, ૦.૫૨ ગ્રામ ચરબી, ૨.૮૧ ગ્રામ ફાઇબર, ૭૮.૨૪ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૪૯૧ કિલો કેલેરી, ૦૭.૪૯ મિલી ગ્રામ કેલ્શિયમ, ૦.૬૫ મિલી ગ્રામ હોય છે. ઘઉમાં ૧૦.૫૯ ગ્રામ પ્રોટીન, ૧.૪૭ ગ્રામ ચરબી, ૧૧.૨૩ ગ્રામ ફાઇબર, ૬૪.૭૨ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૩૪૭ કિલો કેલેરી, ૩૯.૩૬ મિલી ગ્રામ કેલ્શિયમ, ૩.૯૭ મિલી ગ્રામ હોય છે. ( માપદંડ પ્રતિ ૧૦૦ ગ્રામ, ઈન્ડિયન ફુડ કોમ્પોઝીશન ટેબલ્સ, એનઆઈએન, ૨૦૧૭ આધારિત)
શ્રી અન્ન એ મધુપ્રમેહનું જોખમ ઘટાડે છે. આ ધાન્ય એલર્જિક એવા ગ્લુટેન દ્રવ્યથી મુક્ત છે. મિલેટ્સમાં વધુ એન્ટી ઓક્સિટડન્ટ હોય છે. હ્યદય રોગ અટકવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. મિલેટ્સ પોષક તત્વોનું પાવર પેક છે. બાળકો સહિત તમામને મિલેટ્સની અવનવી સ્વાદીષ્ટ વાનગીઓ આપી તેમનું સ્વાસ્થ્ય વધારી શકાય છે.
જય મિશ્રા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.