સાફલ્ય ગાથા ગ્રામ્ય વિસ્તારમાં ઇ-ગ્રામ અને નાણાકીય સમાવેશનની
સાફલ્ય ગાથા ગ્રામ્ય વિસ્તારમાં
ઇ-ગ્રામ અને નાણાકીય સમાવેશનની
રાજ્યના બજેટનો ત્રીજો સ્તંભ : ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓનો વ્યાપ: ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ઘર આંગણે સવલતો
ઇ-ગ્રામ યોજના દ્વારા ગામડાના નાગરિકોને ઘર આંગણે સરકારની વિવિધ અરજીઓ અને દાખલાઓ મેળવવાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ
અમરેલી જિલ્લાના નાના આંકડિયા ગામમાં ઈ-ગ્રામ દ્વારા ૧૭ પ્રકારની સરકારી સુવિધાઓ અને અરજીઓના કામકાજ ગામમાં થતાં ગ્રામજનોની સુવિધામાં વધારો થયો
આધાર જન સેવા કેન્દ્રની સુવિધાથી નાગરિકોનું કામ સરળ થયું, નિ:શુલ્ક મની ટ્રાન્સફરની સુવિધા દ્વારા આશરે રુ.૫૦ લાખના વ્યવહારો થયા
અંદાજે ૧૦,૦૦૦ અરજદારોને ઈ-ગ્રામ સુવિધાઓથી મળ્યો લાભ, ડિજિટલ ઈન્ડિયા હેઠળ ગામનો થયો વિકાસ
મુલાકાત અને આલેખન: જય મિશ્રા
ફિલ્માંકન: બી ડી પાથર
જિલ્લા માહિતી કચેરી, અમરેલી
અમરેલી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૩ (બુધવાર) રાજ્ય સરકારના વિકાસના પંચ સ્થંભ અંતર્ગત તૃતીય સ્થંભ હેઠળ વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સવલતો ગ્રામ્ય સ્તરે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારના આ અભિગમના ભાગરુપે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ઈ-ગ્રામ યોજના હેઠળ પંચાયતોમાં નાગરિકોને ઘર આંગણે વિવિધ સુવિધાઓ મળી રહી છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના નાના આંકડિયા ગામે ઈ-ગ્રામ દ્વારા વિવિધ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ૧૭ પ્રકારની અરજીઓના કામકાજ નજીવા દરે કરી આપવામાં આવે છે. આ સુવિધાના લીધે ગ્રામજનોને જિલ્લા કે તાલુકા મથક અમરેલીના બદલે પોતાના ગામના આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ અને અરજીઓ કરવાની સુવિધા પ્રાપ્ત થઈ છે. ઇ ગ્રામની આ આદર્શ કામગીરી કરી રહેલા નાના આંકડિયાને પંચાયત વિભાગની યોજના હેઠળ આધાર સેવા કેન્દ્ર પણ મળ્યું છે. આ સેવા કેન્દ્રનો લાભ આસપાસના અનેક ગામના નાગરિકો લઈ રહ્યા છે. આ કેન્દ્ર શરુ થયું ત્યારે તાલુકાના ૭૨ ગામ વચ્ચે આ પ્રકારની સુવિધા પહેલીવાર શરુ થઈ હતી. ગામના વીસીઈ મારફત નિ:શુલ્ક મની ટ્રાન્સફરની સુવિધા દ્વારા નાણાકીય વ્યવહારો માટે વ્યાપક સુવિધા થતાં નાગરિકોને અન્ય સ્થળ પર જવાને બદલે ગામમાં જ સેવાનો લાભ ઉપલબ્ધ થાય છે, જે નાગરિકોના સમય, શકિત અને નાણાકીય રીતે સુગમ્ય રહે છે.
નાના આંકડિયા ઈ-ગ્રામની સુવિધાઓ વિશે માહિતી આપતા સરપંચશ્રી દામજીભાઈ જાવીયાએ જણાવ્યુ કે, ઈ-ગ્રામ હેઠળ ગ્રામ પંચાયતમાંથી નજીવા દરે ૧૭ પ્રકારની સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં ૭-૧૨, ૮-અ, ઝેરોક્ષ અને કલર ઝેરોક્ષ, આધારકાર્ડ માટે અરજી, આધારકાર્ડ સુધારણા, લેમિનેશન, પાનકાર્ડની અરજી અને તેમાં સુધારણા, રેશનકાર્ડની કામગીરી, આવકનો દાખલો, મની ટ્રાન્સફર, જન્મ અને મરણના દાખલા, ઈ-શ્રમકાર્ડ, મોબાઈલ રિચાર્જ, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ફોર્મ, ઈ-ગ્રામ પોર્ટલ દ્વારા બીટુસી વ્યવહાર, ખેડૂત સહાય ફોર્મ, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ટાઈપીંગ, આઈ-ખેડૂત પોર્ટલની અરજીઓ, સમાજ કલ્યાણની વિવિધ સહાયો માટેની અરજીઓ, વીજળીના બીલ ભરી આપવા સહિતની અનેકવિધ અરજીઓ અને કામગીરીઓનો લાભ નાગરિકોને ગ્રામ્ય સ્તરે મળી રહ્યો છે. આ સુવિધાઓ ગ્રામ્ય સ્તરે નજીવા દરે અને ગામના આંગણે વી.સી.ઈ. દ્વારા આપવામાં આવે છે તેથી નાગરિકોને ઘણી સરળતા રહે છે. આ કામગીરી માટેનો સમય બચી જતાં તે અન્ય કામ માટે આ સમયનો ઉપયોગ બખૂબી કરી શકે છે.
આશરે ૩,૧૦૦ની વસતી ધરાવતા નાના આંકડિયા ગામમાં ઈ ગ્રામ પોર્ટલ દ્વારા બીટુસી ટ્રાન્ઝેક્શનની કામગીરી થતાં તે કામગીરીમાં પણ તે અવ્વલ રહ્યું છે. અત્યાર સુધીમાં આ સુવિધા હેઠળ અંદાજે રુ.૪૫ લાખના ટ્રાન્ઝેક્શન થયા છે. ગામના તલાટી મંત્રીશ્રી કપિલભાઈ મકવાણા અને વી.સી.ઈ. દર્શિતભાઈ કાથરોટીયા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. આ અંગે શ્રી દર્શિતભાઈ કાથરોટીયા જણાવે છે કે, ગામની કામગીરીના આધારે અમને તાલુકામાં સૌ પ્રથમ પંચાયત સ્તરને આધાર સેવા કેન્દ્ર મળ્યું હતું. આ કેન્દ્રનો લાભ તાલુકાના અનેક ગામોને મળ્યો હતો. આ ઉપરાંત અમે મની ટ્રાન્સફરની નિ:શુલ્ક સેવાઓ પણ આપીએ છીએ.
ઈ-ગ્રામ સુવિધાના લાભથી ગ્રામજનો પણ ખુશ છે. ગામના રહેવાસીશ્રી હસમુખભાઈ વામજા જણાવે છે કે, આ પ્રકારના કામકાજ માટે અમરેલી આવવા જવાનો સમય બચે છે ઉપરાંત લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી પણ મુક્તિ મળી છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં સુવિધામાં આ ઉમેરો કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર.
નાના આંકડિયામાં ઈ-ગ્રામની સુવિધાઓનો લાભ વર્ષે અંદાજે ૧૦,૦૦૦ અરજદારોને મળી રહ્યો છે. આ સુવિધાથી ગામના વિદ્યાર્થીઓ, મહિલાઓ ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે. ગામના ખેડૂત કનુભાઈ ડોબરીયા જણાવે છે કે, નાના આંકડિયામાં પંચાયત ખાતે તમામ સુવિધાઓ મળે છે. ઘણીવાર અડધી રાત્રે પણ જરુરી કામ થઈ ગયું હોવાના દાખલાઓ છે. ગ્રામજનો માટે આ સુવિધા આશીર્વાદ સમાન છે.
આમ, રાજ્ય સરકારના વિકાસના ત્રીજા સ્થંભ હેઠળ છેવાડાના વિસ્તારો સુધી વિશ્વ કક્ષાની આંતર માળાખાકીય સવલતો આપવા માટે પ્રયત્નશીલ છે જેના દ્વારા જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચતા વિકાસ વેગવંતો બન્યો છે.
જય મિશ્રા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.