રાજકોટ એરપોર્ટ પરથી કાનપુરમાં નશામુક્તિ કેન્દ્રનો સંચાલક જીવતા કાર્ટિસ સાથે પકડાયો - At This Time

રાજકોટ એરપોર્ટ પરથી કાનપુરમાં નશામુક્તિ કેન્દ્રનો સંચાલક જીવતા કાર્ટિસ સાથે પકડાયો


બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આજે જૂના એરપોર્ટ ઉપર ચેકિંગ દરમિયાન એક યુવાન જીવતા કાર્ટિસ સાથે પકડાતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. પકડાયેલો યુવાન કાનપુરમાં નશામુક્તિ કેન્દ્ર ચલાવતો હોવાનું અને તેની બેગમાં ભૂલથી કાર્ટિસ આવી ગયાનું હાલ તે રટણ કરી રહ્યો છે ત્યારે તે સાચું બોલી રહ્યો છે કે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે
તે અંગેની ખરાઈ કરવા માટે બે દિવસના રિમાન્ડ માટે ગાંધીગ્રામ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈની ફ્લાઈટમાં બેસે તે પહેલાં જ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના એસઆઈ કિશોરભાઈ નરોત્તમભાઈ બિશ્વાસે અનુપકુમાર નરેન્દ્રકુમાર મિશ્રા (ઉ.વ.32, રહે.કાનપુર)ની તલાશી લેતાં તેના કબજામાંથી જીવતું કાર્ટિસ મળી આવતાં તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી ગાંધીગ્રામ પોલીસે દોડી જઈ અનુપકુમારની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરતાં તેણે એવી કેફિયત આપી હતી કે તે કાનપુરમાં નશામુક્તિ કેન્દ્ર ચલાવે છે અને સાથે સાથે ત્યાં જ એક-બે આયુર્વેદિક દવાનું પણ ઉત્પાદન કરી રહ્યો છે.
તેના કેન્દ્રમાં 12થી 15 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે જેમાં સિક્યુરિટી ઑફિસર પણ સામેલ છે. તે સિક્યોરિટી ઑફિસર દરરોજ ન્હાવા જાય એટલે પોતાનું હથિયાર અને કારતૂસ બેગમાં પેક કરીને જ જતાં હોય છે. આવી રીતે જ તેણે કારતૂસ મુક્યા હોવાનું અને પોતાની જાણ બહાર રહી જતાં તે કારતૂસ લઈને અહીં આવી પહોંચ્યો હોવાની કબૂલાત અનુપકુમારે આપી છે. વધુમાં તેણે કહ્યું કે તે ગત 17 જૂલાઈએ લખનૌથી જયપુર આવ્યો હતો. અહીંથી તે અમદાવાદ આવ્યા બાદ દ્વારકા દર્શન કરવા ગયો હતો. ત્યાં રાત રોકાઈને બીજા દિવસે તે સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યો હતો. આ પછી તેણે બે દિવસ વેરાવળમાં રોકાણ કર્યું હતું. વેરાવળથી તે અમદાવાદ પહોંચ્યો હતો જ્યાં જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો.
જો કે આ વેળાએ જ તેને સસરા ગુજરી ગયા હોવાનો ફોન આવતાં તેણે તાત્કાલિક રાજકોટથી મુંબઈની પ્લેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી જે થઈ ગયા બાદ તે અમદાવાદથી સીધો રાજકોટ એરપોર્ટ પહોંચ્યો હતો અને અહીં મુંબઈ જવા માટે જેવો અંદર પ્રવેશ્યો કે ચેકિંગ દરમિયાન તેની બેગમાંથી કારતૂસ મળી આવતાં કાનપુર પહોંચવાની જગ્યાએ જેલમાં પહોંચી ગયો છે. બીજી બાજુ પોલીસ તપાસમાં એવો ખુલાસો પણ થયો છે કે જે કારતૂસ મળી આવ્યું છે તે ગનનું લાયસન્સ લઈને ઉત્તરપ્રદેશથી સિક્યોરિટી ઑફિસર રાજકોટ આવી પહોંચ્યો છે. જો કે અનુપકુમાર સાચું બોલી રહ્યો છે કે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે તે અંગેની ખરાઈ કરવા માટે ગાંધીગ્રામ પોલીસે તેને બે દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.