કાલાવડ રોડ પર જીએસટીના સર્ચ ઓપરેશનમાં વેપારીના ફ્લેટમાંથી વિદેશી દારૂની 38 બોટલ મળી
કાર એસેસરીઝના વેપારી પાસેથી દારૂ લીધો હતો
શહેરમાં જીએસટી વિભાગે વેપારીના ફ્લેટમાં હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર જાગી છે. કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા 24 કેરેટ એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ નલીન કોટેચા નામના વેપારીના ફ્લેટ પર શનિવારે જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જીએસટીના અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે વેપારીના ફ્લેટમાંથી વિદેશી દારૂની 38 બોટલ તેમજ બીયરની 10 બોટલ મળી આવી હતી. જેથી જીએસટીના અધિકારી પીયૂષ ઠાકરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વેપારીના ફ્લેટ પર દોડી આવેલી પોલીસે રૂ.25,650ના કિંમતનો વિદેશી દારૂ, બીયર કબજે કર્યો છે. વેપારી આશિષ કોટેચાની પૂછપરછ કરતા તેને વિદેશી દારૂનો જથ્થો શહેરના નામાંકિત કાર એસેસરીઝના વેપારી સાગર બિપીન રૂઘાણી પાસેથી ખરીદ કર્યાની કેફિયત આપતા પોલીસે બંને વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.