રાજ્યમાં ૭.૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત - At This Time

રાજ્યમાં ૭.૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત


રાજ્યમાં ૭.૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

જળસિંચન માટે દરેક ગામમાં અમૃત સરોવર
બનાવી અને સુકી નદીઓને પુનર્જીવિત કરવા રાજ્યપાલશ્રીનું સૂચન

જળસિંચન અને પ્રાકૃતિક ખેતીના મિશનમાં અવિરત
સહયોગ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરતા રાજ્યપાલશ્રી

કુદરતી સ્ત્રોત દ્વારા વધુને વધુ જનકલ્યાણ થઈ
શકે તે માટે રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જળસંચયના અને ગ્રીન એનર્જીને લગતા કામો થયા છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ખેતી, ધંધા રોજગાર અને અન્ય માળખાકીય સુવિધાના વિકાસમાં પાણી અનિવાર્ય છે, રાજયમાં જળસંચયના વધુ કાર્યો થાય તે જરુરી છે

અમરેલી તા.૨૨ જુલાઈ, ૨૦૨૩ (શનિવાર) રાજ્યમાં જળ સિંચન દ્વારા સર્વાંગી વિકાસ કરવાની નેમ સાથે નદી, તળાવ અને ચેકડેમને ઉંડા-પહોળા કરવાની તેમજ તેની સાફસફાઈ અને જાળવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ગુજરાત સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનની ૫૦:૫૦ ટકા લોકભાગીદારીથી ૨૮ કિમી લાંબી ગાગડિયો નદી ઊંડી અને પહોળી કરવાનું કાર્ય રુ.૨,૦૦૦ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દુધાળા ગામ ખાતે 'યુએન તળાવ'નું લોકાર્પણ કર્યુ હતુ. રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ 'યુએન તળાવ વોટર કોન્ફરન્સ’માં દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ઉદ્ધબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતુ કે, જળ વાયુ પરિવર્તનના કારણે વિદેશોમાં તાપમાન વધી રહ્યું છે. દેશમાં પણ અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. આ વધુ પડતા વરસાદના કારણે આપણી ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. ખેતરમાં યુરિયા અને રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી.
પ્રાકૃતિક ખેતીમાં વપરાતા જીવામૃત અને ઘન જીવામૃતના કારણે જમીનમાં અળસિયાઓની સંખ્યા વધે છે. આ અળસિયાઓ જમીનમાં છિદ્ર બનાવી તે જમીનને ફળદ્રુપ બનાવે છે જમીનમાં પાણી ઉતરે છે. પ્રકૃતિનું જતન કરવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં ૭.૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. ભાવિ પેઢી માટે પાણી બચાવવા માટે દરેક ગામમાં અમૃત સરોવરો બનાવી અને સૂકી નદીઓને પુનર્જીવિત કરવી જરુરી છે. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે ગુરુકુળ સ્થિત પ્રાકૃતિક ખેતીના મોડલ વિશે જાણકારી આપી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનું અંતર સમજાવી પ્રાકૃતિક ખેતીથી થયેલા ફાયદાઓ જણાવ્યા હતા અને ખેડૂતોને રાસાયણિક ખાતર મુક્ત ખેતી કરવા અનરુોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જળસિંચન તેમજ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં તમામ પ્રકારનો સહયોગ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન પણ કર્યુ હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જળસિંચનનું ભગીરથ કાર્ય કરવા બદલ ધોળકિયા પરિવાર અને શ્રી સવજીભાઈ ધોળકિયાને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનું સમાધાન આજે કેવી રીતે મેળવી શકાય તે માટે ભારતના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રયત્નો કર્યા હતા, તેનું નક્કર પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. કુદરતદત્ત સ્ત્રોત દ્વારા વધુને વધુ જન કલ્યાણ થઇ શકે તે માટે રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જળસંચયના અને ગ્રીન એનર્જીને લગતા કામો થયા છે.

શ્રી સવજીભાઈ ધોળકિયાના નેતૃત્વમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચય થકી રાષ્ટ્રસેવાના ઉમદા કાર્યને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, આ વિસ્તારમાં ૬૦ જેટલા ગામોમાં સહિયારા પ્રયાસોથી જળસંચય માટે અમૃત સરોવરોનું નિર્માણ થયું અને તેના લીધે રમણીય નજારો સર્જાયો છે. આ કાર્ય માટે સહયોગ આપનારા તમામ ગામો અને તેના ગ્રામજનોને તેમણે અભિનંદન આપ્યા હતા. ૨૫ કિમી સુધીની લંબાઇ સુધી ગાગડીયો નદીને ઊંડી ઉતારવા અને પહોળી કરવાના કાર્યને મુખ્યમંત્રીશ્રીએ પ્રેરણાદાયી ગણાવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણના આહ્વાનના પગલે આજે રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ થયું છે. ગુજરાત સરકારે પણ જ્યાં જ્યાં પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે ત્યાં જળસંચય માટેના કામ હાથ ધર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ખેતી, ધંધા રોજગાર અને અન્ય માળખાકીય સુવિધાના વિકાસમાં પાણી અનિવાર્ય છે, રાજયમાં જળસંચયના વધુ કાર્યો થાય તે જરુરી છે.

વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ મોદીએ જનસામાન્ય અને છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવાના ભગીરથ પ્રયાસ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારમાં પણ રસ્તા, વીજળી સહિતની જરુરી વ્યવસ્થાઓના નિર્માણ માટે આયોજનબદ્ધ વિકાસ કામો થયા છે, તેની પ્રતીતિ થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેવાડાના વિસ્તારમાં અદ્યતન આરોગ્ય સેવાઓ મળતી થઈ છે. વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના દ્વારા લોકોને આરોગ્ય સેવાઓ સુલભ બની છે.

ધોળકિયા ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી સવજીભાઈ ધોળકિયાએ વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસનું જે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે તેને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા હોવાનું જણાવ્યું. આ સાથે તેમણે ગુજરાત રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ગ્રામજનોના સહયોગથી આ ૧૨૫ જેટલા સરોવરનું નિર્માણ કાર્ય શક્ય બન્યું હોવાનું જણાવ્યુ હતું. આ પ્રસંગે ધોળકિયા પરિવારના શ્રી ઘનશ્યામભાઈ ધોળકિયાએ શાબ્દિક સ્વાગત અને અંતમાં આભારવિધિ શ્રી બ્રિજેશ ધોળકિયાએ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.