ગોંડલ ચોકડી પાસે હિટ એન્ડ રન: ચાલીને જઈ રહેલાં ભાવિ એડવોકેટનું ટ્રકની ઠોકરે કમકમાટીભર્યું મોત
ગોંડલ ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાલીને જઈ રહેલાં ભાવિ એડવોકેટને માતેલા સાંઢની માફક આવેલા કાળમુખા ટ્રક ટ્રેઇલરે હડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ગીરગઢડાના વતની અને હાલ જામનગર તેના ફઈની ઘરે રહેતાં મિતેષકુમાર પ્રવીણચંદ્ર મહેતા (ઉ.વ.24) ગઈકાલે બપોરે જામનગરથી રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે કામ માટે આવ્યો હતો. જ્યાંથી તે સાંજના સાત વાગ્યાની આસપાસ પરત જામનગર આવવા બસસ્ટેન્ડ તરફ આવતો હતો ત્યારે ગોંડલ ચોકડી પાસે પુરપાટ ઝડપે પાછળથી આવેલા ટ્રક ટ્રેઇલરે હડફેટે લેતાં ફંગોળાઇને રોડ પર પટકાયો હતો.
તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના સબંધીને જાણ કરતાં જામનગરથી તેનો પિતરાઈ દોડી આવ્યો હતો અને બાદમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મૃતકના પિતરાઈ ભાઈ ઉમંગભાઈએ જણાવ્યું હતું કે, મિતેષનો પરિવાર ગીરગઢડા ગામે રહે છે. તે છેલ્લા ચાર વર્ષથી તેમની સાથે જામનગરમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.તેમજ સાથે સાથે તે વકીલાતનો અભ્યાસ કરતો હતો. તેના પિતાને ગીરગઢડામાં દિવાની વાટનો ધંધો હોય જે અર્થે તે ગઈકાલે ગોંડલ ચોકડી પાસે આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતી વેળાએ બનાવ બન્યો હતો. એક ના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પોલીસે મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદ પરથી અજાણ્યાં ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.