કેસરકેરીનો રસપ્રદ ઇતિહાસ
કેસર કેરીનો રસપ્રદ ઈતિહાસ....જાણો સાલેભાઈ આંબડીને કેવી રીતે મળ્યું ‘કેસર’ નામ
જૂનાગઢ રાજ્યના નવાબે તા.૨૫-મે ૧૯૩૪ના ‘કેસર’ નામ આપ્યુંનવાબીકાળના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ શ્રી આયંગરે કેસર કેરીના ઈતિહાસની રસપ્રદ વિગતો આપી હતીજૂનાગઢ તા.૨૫ જૂનાગઢ રાજ્યના સર નવાબ સાહેબ બાબી મોહમ્મદ ખાનજીના રાજ્યના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટના હોદ્દે શ્રી આયંગર સાહેબ રાજ્યના બાગાયત સંશોધન અને સુભોષિત હોદ્દે રહીને કેસર કેરીનો ઇતિહાસ રજૂ કર્યો હતો.
જૂનાગઢ રાજ્યના તાબે વંથલી મહાલના વંથલીની તળપદની વગેડીની સીમમાં ધૂનાકાંઠે દેશી આંબાની ચામસી અને રવાયુ બાગો આવેલ હતી. જેની બાજુમાં નવાબ સાહેબના વઝીર સાલેભાઈ ઈદીની નાની આંબાની બાગ આવેલી. આ બાગે સાલેભાઈ જતા ચામસી અને રવાયું બાગના દેશી કેસરિયા આંબામાં કેરીઓ ઉતરતી હતી. તે વખતે સાલેભાઈ ત્યાં ગયાં અને તે કેરીની પાકેલ શાખઓ ખાધી, તેનો સ્વાદ ખૂબ સારો લાગતા તેઓએ તેમાંથી કાચી કેરીઓ લઈ જઈ તે કેરીઓને પકવી તેમાંથી તેના મિત્ર માંગરોળના શેખસાહેબને મોકલાવી. તે કેરીઓ શેખે ખાઈને ખુશ થયા. તે કેરીનું નામ સાલેભાઈની આંબડી નામ આપ્યું. અને સાલેભાઈને સાલે હિંદનો ઈકલાબ આપ્યો અને તે કેરીના ગોઠલા રહીજબાગમાં વવરાવામાં આવ્યા હતા.
તે વાતની આયંગર સાહેબને જાણ થતા તેઓ માંગરોળ શેખ સાહેબને મળ્યાં. તેની પાસેથી જાણ મેળવી જૂનાગઢ શાલેભાઈને બોલાવી ચામસી તથા રવાયું બાગોની મુલાકાતે અમો ગયેલ. ત્યાં કેસરિયા આંબા જોયેલ અને બીજા વર્ષે મેં તે કેરીઓ ખાધી હતી. અને મને ખૂબ જ સારી લાગતા કેસરિયા આંબાના પાંચ જાડોમાં માંસડા ઊભા કરાવી તેના ઉપર ડબ્બા ગોઠવી ૯૦ આંબાની કલમો વળાવી તેમાંથી ૭૫ કલમો તૈયાર થયેલ. તે કલમો વંથલીના ખેડૂતો સારા બળદ ગાડાવાળાને મહાલકારી ઓફિસે બોલાવી ગાડામાં કલમો ભરી જૂનાગઢ ગિરનારની તળેટીમાં લાલ ઢોરી ખાતે કણબી કરસન કાના ભલાણી, કણબી માવજી જેઠા કલોલા, કણબી ધરમશી મનજી વામજી, કણબી બેસર ડોસા ત્રાંબડીયા તથા નાધોરી કાલુ રહેમજી ગબલ નામના પાંચ ખેડૂતો ઘોડેસવાર સિપાઈ સાથે લાવ્યા હતાં.
આ કલમોને જંગલ સાફ કરાવી વાવેતર કરાવેલ. જેમાં ત્રણ વર્ષે કેરી આવી તે કેરીઓને પકવી નવાબ સાહેબ પાસે લઈ જવામાં આવી. તે કેરી ખાઈને નવાબ સાહેબ ખુશ થયા અને તે કેરીનું નામ તા. ૨૫-મે ૧૯૩૪ના કેસર નામ નવાબ સાહેબે પાડ્યું હતું. મારી કદર કરીને મારા પગારમાં ત્રણ રૂપિયા વધારો કર્યો અને મને તથા મારા ઘરનાને એક-એક જોડી કપડા ઇનામમાં આપ્યાં અને પાંચ ગાડા ખેડૂતોને પાઘડી સાથે એક-એક જોડી કપડાનું કાપડ તથા દસ રૂપિયાના ઇનામ આપી કદર કરી હતી. અને બાગ ધણીની પણ લેખિત કદર કરી હતી.
ત્યાર પછી આ કલમોમાં મને બે જુદી જાતની કેરીઓ માલુમ પડેલ. જેમાં ઉત્તમ જાતિની ડીંટા પાસે પહોળી નીચેનો ભાગ સાંકડો ડુંટા વગરનો લાલ ચાટ વાળી કાચી કેરી ઘેરા લીલા કલરની પાકતા પાતળી શાલ પીળા કલરની, ગરભ લાલ, મીઠો અને કેસર જેવી સુગંધ, ઝાડ નીચુ, પાન આછા લીલા કલરના ડાળીમાં પાનની સંખ્યા ૮ થી ૧૧ જોવા મળેલ અને તેનાથી ઉતરતી કક્ષાની કેરી મોટી ડુંટાવાળી, આછા લીલા કલરની એક સરખી, છાંટ વગરની, અંદર પીળી, રૂછાવાળી, મીઠી અને સુગંધ વગરની, ઝાડ ઉચુ, ગોટલા મોટા, ડાળીમાં પાનની સંખ્યા ૧૧ થી ૧૪, પાન મોટા ઘેરા કલરના.
આ બે જાત જોવા મળેલ ત્યાર પછી આ કેરીઓમાં વધુ અભ્યાસ માટે રાજ્યને ખર્ચે તા.૨મે-૧૯૩૬ ના હિન્દુસ્તાનના મૂલકોમાં આંબા તથા વિસ્તારોમાં હું દિવસ ૨૭ ગયેલ જેનો ખર્ચ રૂપિયા ૪૨૪ને આઠ આના આવેલ પણ કેસર જાતની કેરી જોવા મળેલ નહીં.
બીજા વર્ષે રાજ્યના ખર્ચે સીલોન, બર્માને સુમાત્રા દિવસ ૩૨ હું ફરેલ તેનો ખર્ચ રૂપિયા ૫૧૭ને ચાર આના આવેલ પણ કેસર કેરી જેવી જાત જોવા મળેલ નહીં.
ત્રીજા વર્ષે રાજ્યના ખર્ચે તા.૫-મે ૧૯૩૮ના રોજ ગયેલ જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, હોંગકોંગ અને થોડો ચીનનો ભાગ દિવસ ૩૪ હું ફરેલ તેનો ખર્ચ રૂ.૫૩૪ આવેલ પણ કેસર કેરી જેવી જાત જોવા મળે નહીં.
ત્રણ વર્ષનો કેસર કરીનો અભ્યાસ પાછળ મારા પ્રવાસનો રાજ્યને રૂ.૧૪૭૫ને ૧૨ આના ખર્ચ આવેલ અને મને સંતોષ થયેલ કે હું જેટલો ફરેલ તેમાં જૂનાગઢ રાજ્યના અને વંથલીમાં જન્મેલ કેસર કેરી મારા મતે જૂનાગઢ અને વંથલીનું ગૌરવ અનુભવુ છું.
છતાં પણ દરભંગામા કેસર કેરી જેવી જાત થોડી ઘણી મળતી એક જાત જોવા મળેલ તેને ખાતા ખટ્ટમીઠી, રૂષાવાળી, ગોઢલે મોટી, માવાનુ પ્રમાણ ઓછું.
આવી કેસર કેરીને મળતી આવતી જાત બર્માના બસીન ગામમાં જોયેલ અને ખાતા તેનો સ્વાદ એકદમ જુદો જ કપાસી વાળી, ગોટલો મોટો, રસ પીળો.
ઇન્ડોનેશિયાના એક ટાપુના ફુરી ગામની બજારમાં વેચાતી કેસર કેરી જેવી મીઠી, ગોઢલો નાનો, મીઠી પણ સુગંધ વગરની જોવા મળેલ. સિંધુના બંસી નંદ ગામમાં કેરી ખાધેલ જે નાની, મીઠી, સુંગધ વાળી અને ગોળ જોવા મળેલ.
તે ઘણી જાત સારી લાગેલ તેના ગોઢલા જૂનાગઢના સક્કરબાગમાં વાવેલ મેં મોટામાં મોટા ૨.૫ શેરના અને નાનામાં નાની અંગુર જેવડી કેરીઓ જોયેલ, પણ ખુશી તો એ વાતની થયેલ કે કલકત્તાની બજારમાં રોડની ફૂટપાથ ઉપર વેચાતા જુના પુસ્તકમાંથી એક પુસ્તક મેંગો ઇન્વર્ડ રૂ.૨ માં ખરીદેલ. જે પોર્ટુગીઝ સાહસિક જોર્ન રોબોર્ટ દુનિયાના દેશો ૧૯ વર્ષ કેરીના સંશોધન પાછળ ગાળેલ અને કેરીની ૧૮૯૭ જાતો જોયેલ. જેમાં વધુમાં વધુ જાતો ઈન્ડિયામાં જોયેલ ૧૨૦૯ જાતો કેરીની. જેમાં ઘણા રાજાઓ પોતાના બગીચામાં સારી જાતની કેરીના ઝાડના મૂળિયામાં મધ અને દૂધ રેડતા અને માનતા કે એનાથી કેરી મીઠી અને સ્વાદવાળી થાય.
મેંગો ઇન્વર્ડ પુસ્તક મેં રાજ્યની લાઈબ્રેરીમાં મુકેલ જેના લેખક ડેન રિચાર્ડ છે પુસ્તક ઘણું સારું વાંચવા જેવું છે.
નોંધ - આ કેસર કેરીની કલમો વંથલી, માંગરોળ, ચોરવાડ, તાલાળા, માળીયા, ઉના, વિસાવદર, પોરબંદર, માણાવદર, ધારી, કોડીનાર ખેડૂતોને અને ગિરાસદારો તેમજ નાના રજવાડામાં વાવવામાં આપેલ. જેની કિંમત ૦.૧૨ આના રાખેલી હતી. જેની સામે માંગરોળની રહિજબાગની કલમો પણ વેચાતી. જેની કિંમત રૂ.૧ હતી. જેમાં કેસર કેરીની બંને જાતો હતી ત્યારે લાલ ઢોરીની ઉત્તમ કેસર કેરીની જાતની જ કલમો વાવવા આપતાં. વંથલીમાં દેશી કેસરિયા નામે ઓળખાતા આંબાના ઝાડની કેરીનું નામ શાલેભાઈની આંબડી અને ત્યાર પછી કેસર નામ પડ્યું હતું
રિપોર્ટ અસ્વિનપટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.