24 કલાકમાં 48 કિલો ગાંજા સાથે 4 ઝડપાયા - At This Time

24 કલાકમાં 48 કિલો ગાંજા સાથે 4 ઝડપાયા


રાજકોટમાં 24 કલાકની અંદર 48 કિલો ગાંજા સાથે 4 શખ્સ ઝડપાયા હતા. જેમાં શાપરની બે મહિલાઓની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
રાજકોટમાં માદક દ્રવ્યોનાં સેવનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યુવા વર્ગમાં વધુમાં વધુ જાગૃતિ આવે તથા નશાનું સેવન કરતા અટકે અને ‘સે યશ ટુ લાઈફ, નો ટુ ડ્રગ્સ’ કહેતા થાય તે માટે જરૂરી પગલાં લેવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સૂચના આપેલી. જે અનુસંધાને ગતરોજ સવારે ભક્તિનગર પોલીસે શહેરની હુડકો ચોકડી નજીકથી 20કિલો ગાંજાનાં જથ્થા સાથે બલવીર હરનારાયણ અહિરવાલ (ઉ.વ.19) અને મહેશ મનસુખ ઉર્ફે મનુ બાબરીયા (ઉ.વ.18, રહે, બન્ને બુધ્ધનગર, મફતીયાપરા, શાપર)ને ઝડપી લીધા હતાં.
ગાંજો મંગાવનાર તરીકે શાપરની શબાના બુખારીનુ નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગાંજાની કિંમત રૂા. 2 લાખ ગણી, રૂા 15 હજારની કિંમતનાં બે મોબાઈલ ફોન, રોકડા રૂા. 2590 મળી કુલ રૂા 2.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ શખ્સોએ કબૂલાત આપેલી કે, તેઓ સૂરતથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આ ગાંજાનો જથ્થો લઈ આવ્યા હતા અને તેને શાપરની શબાનાએ મંગાવ્યો છે. તે બંને આરોપીઓ શાપરમાં મજુરી કરે છે. જોકે, બલવીર વર્ષ 2022ના શાપરના દારૂનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યાંનું સામે આવેલું. આ કામગીરી ડીસીપી ઝોન - 1, પૂર્વ વિભાગના ઇન્ચાર્જ એસીપી મનોજ શર્માની સૂચના-માર્ગદર્શન મુજબ પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઈ એચ.એન. રાયજાદા, એમ.એન. વસાવા, એએસઆઇ નિલેષ મકવાણા, હેડ કોન્સ્ટેબલ દિલીપ બોરીયા, પ્રભાતભાઈ મૈયડ, હિરેનભાઈ પરમાર, કોન્સ્ટેબલ મનિષ ચાવડા, વિશાલ દવે, હિતેન્દ્રસિંહ ઝાલા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર ફરજ પર રહ્યા હતા.
ત્યારે આ તરફ ગત બપોરે એસઓજીના એએસઆઈ ડી.બી.ખેરને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.ડી.ઝાલા અને એસઓજીની ટીમે બામણબોર બાયપાસ પાસે વોચ ગોઠવી હતી. જેમાં 28 કિલો 415 ગ્રામ ગાંજા સાથે મહમદયાસીન ઉર્ફે આસિફ ગુલામહુશેન કુરેશી (ઉ.વ.22, રહે. વાઘનગર ગામ, તા.મહુવા, જિ. ભાવનગર) અને બુધેશ ભાલચંદ્ર પંડીત (ઉ.વ.33, 2હે. ગણેશનગર મ.પરા, શાંતીધામ, શાપર)ને ઝડપી લીધા હતા. રૂા.2.84 લાખનો ગાંજો અને બે મોબાઈલ ફોન, 1450ની રોકડ રકમ મળી કુલ રૂ.2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બન્ને શખ્સે કબૂલાત આપેલી કે, તેઓ સુરતથી જથ્થો લઈ આવ્યા છે અને શાપરમાં રહેતી જયના નામની મહિલાએ તે મંગાવ્યો છે. આ કામગીરીમાં ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચના-માર્ગદર્શનથી એસઓજી પીઆઈ જે.ડી. ઝાલા, એએસઆઇ ડી.બી. ખેર, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ, ફિરોઝભાઈ રાઠોડ, અરુણભાઈ બાંભણીયા, કૃષ્ણસિંહ જાડેજા અને ગાંજાની પ્રાથમિક પરીક્ષણની કાર્યવાહી એફએસએલ અધિકારી એસ.એચ. ઉપાધ્યાયે કરી હતી.
આમ 24 કલાકમાં જ મોટા જથ્થામાં ગાંજો મળતા પોલીસ એલર્ટ થઈ છે. એસઓજીના સુત્રોએ જણાવ્યું કે ભકિતનગર પોલીસે પકડેલ ગાંજો મંગાવનાર શબાના છે. જ્યારે એસઓજીએ પકડેલ જથ્થો મંગાવનાર જયના છે. આ બન્ને મહિલા શાપરની છે અને સંબંધમાં એક-બીજાની વેવાણ થાય છે. આ બન્ને જથ્થો એક જ જગ્યાએથી સપ્લાય થયો કે અલગ અલગ જગ્યાએથી? તે અંગે હાલ કોઈ માહિતી નથી. બન્ને મહિલા આરોપીઓએ પણ એક સાથે પોતાના ખેપીયા સુરત મોકલ્યા હતા કે પછી બન્નેનો પ્લાન અલગ હતો? એ અંગે પણ તપાસ થશે. ઝડપાયેલા ચારેય આરોપીઓને એક ખેપના રૂપિયા પાંચ-પાંચ હજાર મળતા. તેઓ કેટલી ખેપ મારી છે તે સહિતના મુદ્દે માહિતી મેળવવા માટે ચારેય આરોપીઓના પોલીસ રીમાન્ડ મંગાશે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.