વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા
વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા
૨૦૭ જેટલા લોકોને વીજચોરી કરતા ઝડપી અંદાજે કુલ રૂ. ૫૯.૯૫ લાખના દંડ ફટકારવામાં આવ્યા
બોટાદ પીજીવીસીસેલ વર્તુળ કચેરી હેઠળ તા.૦૮.૦૫.૨૦૨૩ થી તા. ૧૦.૦૫.૨૩ સુધી વર્તુળ કચેરી ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરશ્રીના માર્ગદર્શન હેઠળ, બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડામાં પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં ઘર વપરાશ, વાણીજ્ય હેતું તેમજ ઔદ્યોગિક વીજ જોડાણોનું પોલીસ અને એસઆરપી સાથે રાખી ૭૪ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૮૩૩ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી, કુલ ૨૦૭ જેટલા લોકો વીજચોરી કરતા ઝડપી અંદાજે રૂ. ૫૯.૯૫ લાખની વીજચોરીના દંડ ફટકારવામાં આવ્યા છે.
અધિક્ષક ઈજનેરના જણાવ્યાં મુજબ, બોટાદ જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજચોરોનો વીજ ચેકિંગ માત્ર વહેલી સવારે જ આવે છે, તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજ જોડાણોની તપાસની કરવામાં આવી હતી, આગામી સમયમાં રાત્રિ દરમ્યાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે અને વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ યથાવત રહેશે. આ ઝુંબેશથી વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. અધિક્ષક ઇજનેરશ્રી, પીજીવીસીએલ, વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના પ્રજાજનોને વીજચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.