150 ફૂટ રોડ પર મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમતો યુવાન પકડાયો
આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ સટ્ટો રમાડી લેવા માટે બુકીઓ અને સટ્ટો રમી લેવા માટે પંટરો થનગનાટ અનુભવી રહ્યા છે. જો કે પોલીસ દ્વારા સટ્ટો રમતાં પંટરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું હોવાથી હવે છાનેખૂણે આ ગોરખધંધો શરૂ થયાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે 150 ફૂટ રોડ ઉપર મોબાઈલમાં આઈડી મારફતે ક્રિકેટ સટ્ટો રમતા યુવકને પકડી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના મહેશભાઈ ચાવડાએ 150 ફૂટ રિંગરોડ ઉપર મવડી ગામના બાપા સીતારામ ચોકમાં જાહેરમાં મોબાઈલ ઉપર શંકાસ્પદ હરકત કરી રહેલા જયદીપ ધીરૂભાઈ લીંબાસીયા (ઉ.વ.32)ને અટકાવી તેના ફોનની તલાશી લેતાં તેના ફોનમાંથી આઈડિયા7777 નામનું આઈડી મળી આવ્યું હતું જેના મારફતે તે આઈપીએલની મેચ ઉપર સોદાઓ કરી જુગાર રમી રહ્યો હતો. આ પછી પોલીસે જયદીપની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે જયદીપ લીંબાસીયા છેલ્લા ઘણા સમયથી મવડી ચોકડીએ આકાશદીપ સોસાયટી શેરી નં.2માં ભાડાના મકાનમાં રહે છે. જયદીપ મુળ ગીરસોમનાથ જિલ્લાના ધાવાગામનો વતની હોવાનું પણ ખુલ્યું છે. હવે જયદીપને જુગાર રમવા માટે આઈડિયા7777 નામનું આઈડી આપનાર બુકી કોણ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.