જેની બધી આગાહી ઓ સાચી પડે છે આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે
જેની બધી આગાહી ઓ સાચી પડે છે
આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે
વિવિધ વર્તમાન પત્રોમાં અને TV માં આગાહીઓ વાંચીને સાભરીને સમગ્ર ગુજરાતના લોકોના મોંઢે જે નામ આવે એ છે - અંબાલાલ દા.પટેલનું !
એમનું વતન ચુંવાળ વિસ્તારના અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ છે. એમનો જન્મ 1947 માં થયો છે.પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ.પત્નીનું નામ ગૌરીબેન.બે દિકરા અને એક દીકરી છે.મોટો દિકરા રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા.નાના દિકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ બિઝનેસ સંભાળે છે. દીકરી અલકા પણ ડૉક્ટર છે.
અંબાલાલનો વારસાગત ધંધો ખેતી, અભ્યાસ પણ આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતકનો અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર અને છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદા સુધી પહોંચનાર આ અંબાલાલ પટેલ ચીલો ચાતરીને પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે આશ્ચર્ય જરૂર થાય.તેઓનો જ્યોતિષ વિષય ન હોવા છતાંય કે એ માટેની કોઈ ઉપાધિ પણ મેળવેલ ન હોવા છતાંય એ સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે આશ્ચર્ય બેવડું, તેવડું કે અનેક ઘણું વધી જાય અને આ અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય એ સ્વાભાવિક છે .
મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોઈ એમને વરસાદ, હવામાન, ખેતી પાકો વગેરે વિશે જાણવાની સાથે એમને થતું કે જો ખેડૂતોને આ બધી આગોતરી માહિતી મળે તો એ ખેડૂતોને ઉપયોગી થઈ શકે.આમે ખેતી સંપૂર્ણ રીતે કુદરત આધારીત વ્યવસાય છે.સાંજે ખેડૂત એના ખેતરમાં લહેરાતો પાક જોઈને ઘરે આવી શાંતિથી નિંદર લેતો હોય અને રાત્રે જ હવામાનમાં અચાનક એવો ફેરફાર થઈ જાય ત્યારે સવારે એજ ખેડૂતની બધી જ મહેનત નિષ્ફળ જાય એના જેવી દુ:ખદ પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે.પણ, જો આ બદલાતા હવામાન વિશે આગોતરી આગાહી કરવામાં આવે તો એ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થઈ પડે
એમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું.અને આ મનોમંથનમાંથી જ આગાહીઓરૂપી માખણ નીકળતું રહ્યું જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે.સરકાર પણ એમની સલાહ લેવા માંડી.ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા.
એ જ્યોતિષનાં પુસ્તકો વાંચતા.આ પુસ્તકોમાં મેઘમહોદય,પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા ( બૃહદ સંહિતા ), તેમજ કેટલાંક જૈન શાસ્ત્રો જેવાં કે ભદ્રબાહુ સંહિતા, આરંભ સિધ્ધિ તેમજ ખગોળને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળીયા,સાઠ સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર જેવાં ઘણાં પુસ્તકોનો તેઓએ અભ્યાસ કર્યો છે.
પોતે જ પોતાના ગુરૂ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980 ના વર્ષમાં કરેલી અને એ અક્ષરશ: સાચી પડતાં ઘણાંનું ધ્યાન ખેંચાયેલું અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો.
એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી. સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા.ઘણાં સામયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યાં. સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ- 18, 24, વી આર લાઈવ, વીટીવી જેવી ચેનલો પણ " પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ...." આ રીતના સમાચારો પ્રસારીત કરવા લાગી.
એમની આ સિધ્ધિઓની કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડસ્ પણ મળ્યા છે અને સન્માન પણ થયાં છે.
2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે.તો,નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે.ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવેલ છે.
વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે પણ આપણે ત્યાંથી આવા અદભૂત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ દર્શાવેલ નથી
ઔધ્યોગિક વિકાસ ગમે એટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે તેમ નથી.અને, હવામાનની આગાહી તો સમગ્ર માનવ જાતિ માટે આશીર્વાદરૂપ છે.
સરકાર પણ એમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે ત્યારે એજ સરકારે અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ અટકાયત પણ કરેલી. એમની ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી.એમની આગાહી સાચી પણ પડેલી.પણ, " વૈજ્ઞાનિક આધાર સિવાય આવી આગાહી થઈ ન શકે " એમ કહીને એમની અટકાયત કરવામાં આવેલી.
સચોટ આગાહીઓ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું વ્યક્તિત્વ ધરાવે છે.(શ્રી અંબાલાલ પટેલ, સંપર્ક નંબર- +91 98256 97032 )
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.