જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન મિટિગ યોજાઇ
પ્રિમોન્સુનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
દાહોદ, તા. ૪ : જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન મિટિગ યોજાઇ હતી. કલેક્ટરએ ઉપસ્થિત તમામ સલગ્ન વિભાગના અધિકારીઓને ચોમાસા અગાઉની કામગીરી સઘન રીતે પૂર્ણ કરવા જણાવ્યું હતું અને રસ્તાઓના સમારકામ, જર્જરિત ઇમારતો, બચાવ તેમજ રાહતકાર્ય માટેના સાધનો બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી.
આજે યોજાયેલી બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ગામ તથા તાલુકા લેવલના સમયમર્યાદામાં મોકલી આપવા જણાવ્યું હતું. તાલુકા કક્ષાએ આશ્રય સ્થાન, રેસ્કયુ ટીમ, મેડીકલ ટીમ, બચાવ ટીમ નક્કી કરી લેવાના રહેશે. બચાવ માટેના સાધનો, દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહીં તે ચેક કરી લેવા જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઇ નહીં તેમજ ખુલ્લી અને ભયજનક લાઇનોની ચકાસણી કરી દૂર કરવા માટે સૂચના અપાઇ હતી.
જિલ્લામાં વરસાદ સમયે વૃક્ષ પડવા જેવી, રસ્તાઓ ઉપર ખાડા પડવા, પાણી ભરાવા કે કોઇ પણ આકસ્મિક ઘટના માટેની તૈયારી રાખવા કલેક્ટરે જણાવ્યું હતું. ગટરો, નાળા, નહેરોની સાફ સફાઇ નિયત સમયમર્યાદામાં કરવા, નગરપાલિકા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ પુર જેવી ઘટનાઓ સામે મોકડ્રીલ યોજવા, રોગચાળો ન ફેલાય તે માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પૂર વાવાઝોડા સમયે એનડીઆરએફ સહિતની ટીમોના બંદોબસ્ત સહિતની બાબતોની સમીક્ષા કરાઇ હતી.
જિલ્લાના નાગરિકો ચોમાસા દરમિયાન કોઇ પણ આકસ્મિક સ્થિતિ સામે ડિસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ફોન નં. ૦૨૬૭૩- ૨૩૯૨૭૭, ૦૨૬૭૩-૨૩૯૧૨૩ તેમજ ૧૦૭૭ ઉપર ફોન કરીને મદદ મેળવી શકશે.
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે, ગત પાંચ વર્ષ દરમિયાન ચોમાસામાં બનેલી આકસ્મિક ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ માટે અત્યારથી જ એ બાબતોની સમીક્ષા કરી લેવી. તેમજ ગટરના પાણી સ્વચ્છ પાણીની પાઇપ સાથે જોડાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા તેમણે જણાવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ૦૦૦
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.