રોજેરોજ દબાણ હટાવ ઝુંબેશ ચલાવો : કમિશ્નરનો આદેશ
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર મંગળવારે પાર્કિંગમાં રહેલા બાંધકામો, રાજમાર્ગો પરના દબાણો, ગંદકી સામે કાર્યવાહી સહિતની ડ્રાઇવ ચલાવવામાં આવે છે પરંતુ લાંબા સમયથી ચાલતી આ કામગીરી માત્ર સાપ્તાહિક જેવી બની ગઇ હોય, કમિશ્નર આનંદ પટેલે જાતે આવા વિસ્તારોનો અભ્યાસ કર્યા બાદ આ દબાણ હટાવ કામગીરી વિકલી નહીં પરંતુ ડેઇલી તરીકે ચાલુ રાખવા અધિકારીઓને આદેશ આપ્યા છે. સાથે જ ડિમોલીશન પૂર્વે તેની માહિતી પેપરની જેમ લીક થઇ જવા સામે પણ વિભાગને વોર્નિંગ મોકલ્યાનું જાણવા મળ્યું છે.
કમિશ્નરે આજે વાતચીતમાં જણાવ્યું હતું કે દબાણ હટાવ કામગીરી એ કોઇ અભિયાન કે ઝુંબેશ નથી. રોજિંદી કામગીરી છે આથી તે રોજેરોજ ચાલુ રહેવી જોઇએ. ચાલુ મે મહિનાથી જ આવી કામગીરી રોજિંદી બનાવવામાં આવી છે. પ્લોટ, રાજમાર્ગો પરના બિલ્ડીંગ બહારના પાર્કિંગ-માર્જીનના દબાણો પણ રોજેરોજ હટાવવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ તમામ રાજમાર્ગો પર પૂરો મે મહિનો રોજ કામગીરી ચાલુ રહેશે. તો કોઇ અન્ય રસ્તાથી માંડી શેરીઓમાં પણ ફરિયાદ આવશે તો ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે. હાલ લાંબા સમયથી મંગળવારે આ મોટી ડ્રાઇવ ચાલે છે. આથી દબાણકારોથી માંડી વ્યવસાયિકોને પણ મંગળવારે એલર્ટ રહેવાની તક મળે છે.
અમુક રસ્તા પરના પથારા અને દબાણો હટાવતા પૂર્વે ત્યાં આ મંગળવારી કાર્યવાહીની જાણ થઇ જતી હોવાની ફરિયાદ પણ મળે છે. અમુક દિવસે અમુક રસ્તે અગાઉથી દબાણો ગાયબ થઇ જાય છે. આથી આવી કામગીરી રોજેરોજ કરવી અનિવાર્ય છે. મનપાની આ વન વીક વન રોડ ડ્રાઇવમાં સફાઇથી માંડી સ્ટ્રીટલાઇટ રીપેર કરવાનું કામ પણ થઇ જાય છે. આ કાર્યવાહીની રાજય સરકારે પણ પ્રશંસા કરી હતી. વર્તમાન કમિશનર આ કામગીરી રોજિંદી કરી દેવા માંગે છે. અમુક વિસ્તારમાં રસ્તા પરના દબાણો દુર થયા બાદ ફરી બીજા દિવસે પથરાઇ જતા હોવાની ફરિયાદ આવે છે. આથી આ સાપ્તાહિક કામગીરી પૂરેપૂરી સફળ થતી નથી આથી જે રોડ પર એક જગ્યાએથી દબાણ હટાવવામાં આવ્યું હોય અને ત્યાં ફરી દબાણ થયાની ફરિયાદ આવે તો તુરંત ફરી ઓપરેશન કરવામાં આવશે. પાર્કિંગ-માર્જીનમાં ખડકાયેલા અને દુર કરાયેલા દબાણો ફરી થઇ જતા હોવાનું ધ્યાને આવ્યું છે. આથી આવી જગ્યાએ પણ સતત નજર રાખવા સૂચના અપાઇ છે. એક વખત દબાણ તોડાયા બાદ ફરી ખડકાઇ જાય તો તાબડતોબ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.