પશુપાલન ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી તેમજ સંસ્થાલક્ષી સહાય યોજનાઓ માટે ખેડુતો ૧૫/૬ સુધી અરજી કરી શકશે
ભુજ, મંગળવાર
પશુપાલન ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી તેમજ સંસ્થાલક્ષી સહાય યોજનાઓમાં અરજી કરવા માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજીઓ લેવાની તા. ૧ મે થી શરૂઆત થઇ છે.
રાજયમાં અને કચ્છ જીલ્લામાં પશુપાલન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસિત થઇ રહ્યો છે અને રાજય સરકારા દ્વારા આ વ્યવસાયના વિકાસમાં વધુ ગતિ લાવવા સતત ઘનિષ્ટ પ્રયાસો થઇ રહ્યા છે. આ માટે પશુપાલન ખાતાની ચાફકટરની ખરીદી પર સહાય, કેટલ શેડ બાંધકામ સહાય, કૃત્રિમ બીજદાનથી શુદ્ધ ઓલાદની વાછરડીના જન્મ પર સહાય, બકરા એકમ(૧૦ બકરી + ૧ બકરો) ની સ્થાપના માટે સહાય, ગાભણ પશુ માટે ખાણદાણ સહાય, ૧૨ તેમજ ૫૦ દુધાળા પશુ એકમની સ્થાપના માટે સહાય, વિયાણ બાદ ખાણદાણ માટે સહાય વગેરે યોજનાઓ અમલમાં છે.
ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી કે સંસ્થાલક્ષી સહાયકારી યોજનામાં અરજી કરવા આઇ-ખેડુત પોર્ટલ તા.૧/૫/૨૦૨૩ થી તા. ૧૫/૬/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકાયેલું છે, જે દરમ્યાન આ યોજનાઓ પૈકી પોતાને અનુકુળ એવી કોઇ પણ યોજનાનો લાભ લેવા ઇચ્છુક પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર અરજી કરવાની રહેશે.
આ માટે પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ પર : યોજનાઓ › પશુપાલનની યોજનાઓ › વિગતો માટે અહીં ક્લિક કરો › અરજી કરો : એ મુજબ ક્રમશ: આગળ વધવાથી ઇચ્છિત યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર પશુપાલનને લગતી અલગ અલગ કેટેગરીની કુલ ૩૦ જેટલી યોજનાઓ માટે અરજીઓ કરવાનું હાલ ચાલુ છે. પશુપાલકોની જાણકારી માટે યોજનાની ટુંકી માહિતી, શરતો અને બોલીઓ, સહાયનું ધોરણ વગેરે વિગતો પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવેલ છે.
લક્ષ્યાંક કરતા નિયત સમયમર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થયેલ હશે તો તેવી યોજના/યોજનાઓ પુરતું પોર્ટલ અરજીઓ સ્વીકારવા માટે વધુ સમય ખુલ્લું રાખવામાં આવશે. જેની માહિતી આઇ-ખેડુત પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે. લક્ષ્યાંકથી વધુ અરજીઓ થાય તેવા સંજોગોમાં દરેક ઘટક માટે લાયક ઠરતી હોય તેવી મળેલ તમામ અરજીઓનો આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રૉ કરી લાભાર્થી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. જે અંગેની જાણ અરજદારશ્રીને પોર્ટલ દ્વારા એસ.એમ.એસ. મોકલાવીને કરવામાં આવશે.
પશુપાલકે ઓનલાઇન અરજી કરવા માટે મુખ્યત્વે પોતાના આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર તેમજ મોબાઇલ નંબરની વિગતો પોર્ટલ પર આપવાની હોય છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તેમજ જનરલ કેટેગરી પૈકી પોતાને લાગુ પડતી કેટેગરીની યોજનામાં અરજી કર્યા બાદ તેની પ્રિંટ આઉટ લઇ, તેમાં નિયત જગ્યાએ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી, માંગવામાં આવેલ દસ્તાવેજોની પ્રમાણિત નકલો સહિતની પોતાની અરજી નજીકનાં સરકારી પશુ દવાખાના કે પશુ સારવાર સંસ્થા ખાતે પહોંચતી કરવાની રહેશે. કોઇ પણ પશુપાલક પોતે ઇચ્છે તેવી એક કે વધારે યોજનાઓમાં અરજી કરી શકે છે.
આ માટે વધુ માર્ગદર્શનની જરૂર પડે તો નજીકનાં પશુ દવાખાના/પ્રાથમિક પશુ સારવાર કેંદ્ર, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાનાં જુથ મથક કે ઉપકેંદ્રનો સંપર્ક કરી પશુપાલન ખાતાની સહાય યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે કચ્છનાં સર્વે પશુપાલકોને ડૉ. એચ.એમ.ઠક્કર, નાયબ પશુપાલન નિયામક કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.