શુ તંત્રની જવાબદારી માત્ર ધોરિયામાં પાણી છોડવાની જ હશે? - At This Time

શુ તંત્રની જવાબદારી માત્ર ધોરિયામાં પાણી છોડવાની જ હશે?


શુ તંત્રની જવાબદારી માત્ર ધોરિયામાં પાણી છોડવાની જ હશે?
જસદણના રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમમાંથી કોઠી ગામના ખેડૂતોને ધોરિયા મારફત પિયત માટેનું પહેલું પાણ તો અપાયું, પણ ધોરિયા બુરાઈ ગયા હોવાથી ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચ્યું!.
- કોઠી ગામના ખેડૂતો પાસેથી સિંચાઈ વિભાગે આ વર્ષે બમણી ફારમ પણ ઉઘરાવી છતાં પૂરતું પાણી નથી મળતું.
- છેલ્લા 4 વર્ષથી ધોરિયાની યોગ્ય સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી છતાં પાણીએ ખેડૂતોને પિયત માટેનું પાણી નથી મળી રહ્યું, ઉનાળું પાકને મોટું નુકસાન થવાની ભીતિ.

રાજકોટ જિલ્લાના જસદણની રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમમાંથી કોઠી, શાંતિનગર અને નાની લાખાવડ ગામના ખેડૂતોને ઉનાળા દરમિયાન ધોરીયા મારફત ત્રણ પાણ આપવાનું નક્કી કરાયું છે. જેના ત્રણેય ગામના ખેડૂતોએ ફોર્મ ભરી જસદણ સિંચાઈ વિભાગને પિયત માટેનું પાણી મેળવવા માટેની આ વર્ષે બમણી રકમ પણ જમા કરાવી આપેલ છે. તેમ છતાં સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષથી ધોરિયાની યોગ્ય સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી છતાં પાણીએ ખેડૂતોને પિયત માટેનું પાણી નથી મળી રહ્યું. ખાસ કરીને રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમથી કોઠી ગામ સુધીના ધોરીયા યોગ્ય સાફ-સફાઈના અભાવે બુરાઈ ગયા હોવાથી 50 જેટલા ખેડૂતોને ખરા સમયે પિયત માટેનું પાણી મળતું ન હોવાથી ઉનાળું પાક મુરઝાઈ રહ્યો છે. જો ગામના ખેડૂતોને ધોરીયા મારફત પૂરતા પ્રમાણમાં પાણી નહી મળે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થશે, ખેડૂતોના ઉંચા ભાવના બિયારણ-ખાતરના ખર્ચાઓ વ્યર્થ જશે, ખેડૂતો પાયમાલી તરફ ધકેલાશે તેવી દહેશત કોઠી ગામના ખેડૂતોમાં સેવાઈ રહી હતી. જો કે આ અંગે કોઠી ગામના સરપંચ સહિતના ખેડૂતોએ જસદણ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને ધોરિયા મારફત પૂરતા પ્રમાણમાં પિયત માટેનું પાણી આપવું અને ધોરિયાની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં જસદણ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની રજૂઆતને અભેરાઈએ ચડાવી દેવાતા ખેડૂતો ભારે મુંજવણમાં મુકાઈ ગયા છે. જો તાત્કાલિક કોઠીના ખેડૂતોને પિયત માટે પૂરતા પ્રમાણમાં પાણી નહી અપાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતો પાસેથી સિંચાઈ વિભાગે બમણી ફારમ વસુલી, છતાં પાણી નથી મળતું.

હાલ રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમમાં 12 ફૂટ જેટલું પિયત માટેનું પાણી ભરેલું છે અને આ ડેમનું પાણી માત્ર સિંચાઈ માટે જ ઉપયોગમાં લેવાય છે. ગત વર્ષે ખેડૂતો પાસેથી એક એકર દીઠ રૂ.450 ફારમ વસુલ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે જસદણ સિંચાઈ વિભાગ દ્વારા તે ફારમને બમણી કરી એક એકર દીઠ રૂ.974 વસુલવામાં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે ખેડૂતોએ પિયત માટેનું પાણી મેળવવા માટે મોટુંમન રાખીને બમણી ફારમ સિંચાઈ વિભાગને ભરી પણ આપી છે. છતાં કોઠી ગામના ખેડૂતોને ધોરીયા મારફત પૂરતા પ્રમાણમાં પિયત માટેનું પાણી મળતું ન હોવાથી ખેડૂતોમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે ભારે નારાજગી ઉઠવા પામી છે.

ગત વર્ષ કરતા આ વર્ષે એક એકર દીઠ રૂ.974 જેટલી બમણી ફારમ વસુલ કરવામાં આવી છે છતાં અમારા ખેતર સુધી પાણી નથી પહોંચ્યું: એભલભાઈ બાલસરા-ખેડૂત, કોઠી.

મેં 6 વીઘામાં ઉનાળું તલ વાવ્યા છે. પરંતુ આ ધોરિયા સાફ કરવાવાળા કોન્ટ્રાક્ટરે આ વર્ષે ધોરિયા જરાય સાફ કર્યા ન હોવાથી ડેમથી અમારા ગામ સુધીના ધોરિયા બુરાઈ ગયા છે. આ વખતે ડેમમાંથી પાણી છોડવાવાળાએ પણ અમને ખેડૂતોને જાણ કર્યા વગર જ ધોરિયામાં પાણી છોડી દીધું છે. ધોરિયાની કુંડીમાં પણ ઓવાળ ભરેલો હતો છતાં પાણી છોડી દીધું છે. અમે આ અંગે રજૂઆત કરી તો કહે છે કે કુંડીમાં આમ થયું છે તેમ થયું છે. આ વખતે પાણી છોડવાવાળાએ પણ એક ખેડૂત પાણી વાળી શકે તેટલું જ પાણી છોડ્યું છે. ધોરિયા સફાઈ કરવાવાળા કોન્ટ્રાક્ટર પણ સરખા ધોરિયા સાફ કરતા નથી અને અધિકારીઓ પણ અમારું કાઈ સાંભળતા નથી. આ વખતે ખેડૂત પાસેથી ગત વર્ષ કરતા એક એકર દીઠ રૂ.974 જેટલી બમણી ફારમ વસુલ કરવામાં આવી છે છતાં અમારા ખેતર સુધી પાણી નથી પહોંચ્યું. અમે ખેડૂતોએ ખર્ચો કરીને બધું વાવી દીધું છે અને બમણી ફારમ પણ ભરી દીધી છે છતાં પિયત માટેનું પાણી નથી મળતું. જો તાત્કાલિક પિયત માટે પૂરતા પ્રમાણમાં પાણી નહી અપાય તો ઉપવાસ આંદોલન કરવાની અમારે ખેડૂતોએ ફરજ પડશે.

જે ફારમ કાઢે છે તેમને બમણી ફારમ અંગે પૂછતાં તેમણે અમને કહ્યું કે આ વખતે લોકફાળો ખેડૂતે ભરવાનો છે: લાલજીભાઈ હાંડા-ખેડૂત,કોઠી.

ગઈ સાલે એ લોકોએ અમારી પાસેથી એક એકર દીઠ રૂ.450 વસુલ્યા હતા. પરંતુ આ વર્ષે એ લોકોએ અમારી પાસેથી રૂ.974 બમણી ફારમ વસુલી છે. ત્યાં જે ફારમ કાઢે છે તેમને બમણી ફારમ અંગે પૂછતાં તેમણે અમને કહ્યું કે આ વખતે લોકફાળો ખેડૂતે ભરવાનો છે. મેં આ બાબતે ઉપર જાણ્યું તો મને જાણવા મળ્યું છે કે 100 વર્ષમાં ક્યારેય ખેડૂત ઉપર લોકફાળો ભરવાનો આવ્યો નથી. આ ધોરિયા ખરેખર હોળી પહેલા સાફ કરવાના અને રીપેરીંગ કરવાના હોય છે. પરંતુ આ લોકોએ છેલ્લા 4 વર્ષથી ધોરિયાની કોઈ સફાઈ કે રીપેરીંગ પણ કર્યું નથી. અમારું એવું કહેવું છે કે અમે એ લોકોએ કહ્યું એટલો લોકફાળો અને ફારમ ભરી દીધી છે છતાં અમને કેમ પિયત માટેનું પૂરતું પાણી આપતા નથી. જેથી સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમને વહેલી તકે ધોરિયા મારફત પૂરતા પ્રમાણમાં પિયત માટેનું પાણી આપવામાં આવે તેવી અમારી ખેડૂતોની માંગ છે.

જો કોઈ ખેડૂતોને પિયત માટેનું પાણી નહી મળતું હોય તો હું તેની તપાસ કરાવું છું: સ્મિત ચૌધરી-નાયબ કાર્યપાલક ઈજનેર,જસદણ સિંચાઈ વિભાગ.

હમણાં આંઠ-દસ દિવસ પહેલા જ ધોરિયા સાફ કરાવવામાં આવ્યા હતા. છતાં જો કોઈ ખેડૂતોને પિયત માટેનું પાણી નહી મળતું હોય તો હું તેની તપાસ કરાવું છું. હું અત્યારે ગાંધીનગર જવા માટે રસ્તામાં છું. છતાં કાલે આ બાબતે હું યોગ્ય તપાસ કરાવીને ખેડૂતોનો પ્રશ્ન હલ કરાવીશું.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.