જસદણના ગઢડીયા(જસ) ગામે લુખ્ખા શખ્સે આતંક મચાવી છરીથી હુમલો કરતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા, એકને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા - At This Time

જસદણના ગઢડીયા(જસ) ગામે લુખ્ખા શખ્સે આતંક મચાવી છરીથી હુમલો કરતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા, એકને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા


જસદણના ગઢડીયા(જસ) ગામે લુખ્ખા શખ્સે આતંક મચાવી છરીથી હુમલો કરતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા, એકને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા.
- હુમલો કરનાર શખ્સે ચાર મહિના પહેલા પણ એક વ્યક્તિને છરીના ઘા ઝીંક્યા હતા.
- આ ઘટનાની જાણ જસદણ પોલીસને થતા માત્ર એક જ કલાકમાં આરોપીને તેના ઘરેથી જ દબોચી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જસદણ પંથકમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ દિનપ્રતિદિન લુખ્ખાઓનો આતંક વધતો જઈ રહ્યો છે. જેના કારણે આમ લોકોને જિંદગી જીવતા પણ ડર લાગી રહ્યો છે અને અમુક લોકો જસદણ પંથકને છોડી અન્ય શહેરોમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે જસદણના ગઢડીયા(જસ) ગામે વધુ એક લુખ્ખાએ આતંક મચાવી બે નિર્દોષ લોકોને છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ, જસદણના ગઢડીયા(જસ) ગામે રહેતા નાજાભાઈ ગગજીભાઈ પરમાર(ઉ.વ.65) ગઈકાલે રાત્રીના સમયે ગામના બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા. ત્યારે અચાનક ગઢડીયા(જસ) ગામનો જ છગન વિઠ્ઠલ કુકડીયા નામનો માથાભારે શખ્સ લુખ્ખાગીરી કરવા માટે નીકળ્યો હતો અને નાજાભાઈ પાસે આવી અચાનક છરી વડે હુમલો કરવા લાગ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત નાજાભાઈએ દેકારો બોલાવતા તે સાંભળીને તેમનો કૌટુંબિક દીકરો અજય વિનુભાઈ પરમાર તેમના દાદાને બચાવવા માટે વચ્ચે પડતા હુમલો કરનાર માથાભારે શખ્સ દ્વારા તેના ઉપર પણ છરીના ઘા કરવામાં આવ્યા હતા. બાદમાં હુમલો કરનાર શખ્સ ત્યાંથી છૂટ્યો હતો અને હુમલાનો ભોગબનનાર બન્ને વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ ઘટનાના પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં નાજાભાઈને હુમલાખોર શખ્સ દ્વારા છાતીના ભાગે બે થી ત્રણ છરીના ઘા મારવામાં આવતા ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત અજયને પગના ભાગે છરીના ઘા લાગતા તેની જસદણ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ જસદણ પોલીસને થતા માત્ર એક જ કલાકમાં આરોપી છગન વિઠ્ઠલ કુકડીયાને તેના ઘરેથી જ દબોચી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ તકે ગ્રામજનોએ જણાવ્યું હતું, હુમલો કરનાર છગન કુકડીયા નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી ગામમાં લુખ્ખાગીરી ચલાવી રહ્યો છે અને અગાઉ પણ ચારેક મહિના પહેલા જ એક વ્યક્તિને ત્રણથી ચાર છરીના ઘા માર્યા હતા. આ શખ્સ અવારનવાર ગામમાં ગમે તેની સાથે ઝઘડો કરતો હોય છે અને ગામમાં લુખ્ખાગીરી કરી ગામમાં ભયનું વાતાવરણ ઉભો કરી રહ્યો છે. જેથી જસદણ પોલીસ દ્વારા આ હુમલો કરનાર છગન કુકડીયાને કાયદાનું ભાન કરાવી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
અમારા ઉપર હુમલો કરનાર શખ્સ માથાભારે છે: અજય પરમાર-ઈજાગ્રસ્ત,ગઢડીયા(જસ).
હું જસદણના ગઢડીયા(જસ) ગામે રહું છું. ગઈકાલે રાત્રીના અમારા ગામના છગન કુકડીયાએ મને પગમાં છરીના ઘા માર્યા છે. સાથોસાથ મારા દાદા નાજાભાઈ પરમારને પણ છગને છરીના ઘા માર્યા છે. મને તેણે પગમાં છરીનો એક ઘા માર્યો છે. જયારે મારા દાદાને છાતી સહિતના ભાગે ત્રણથી ચાર છરીના ઘા માર્યા છે. આ બનાવ ગામના બસ સ્ટેન્ડ પાસે જ બન્યો હતો. મારા દાદાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને રાજકોટ સારવાર માટે ખસેડેલ છે. અમારા ઉપર હુમલો કરનાર શખ્સ માથાભારે છે અને તેણે અગાઉ પણ ચારેક મહિના પહેલા અમારા ગામના જ એક વ્યક્તિને છરીના ઘા માર્યા હતા.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.