પોપટપરામાં 5.50 લાખમાં 2 BHK ફલેટ : 119 કરોડના ખર્ચે 1010 આવાસ બનશે
રાજકોટ મહાપાલિકા દ્વારા અઢી વર્ષ બાદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નવી આવાસ યોજના બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વોર્ડ નં.3ના પોપટપરા વિસ્તારમાં આવેલા કોર્પો.ના બગીચા બાજુમાં અને સ્મશાન સામેના ભાગમાં આવેલા પ્લોટમાં ઇડબલ્યુએસ-2 પ્રકારના 1010 આવાસ બનાવવાની દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટે.કમીટીની મીટીંગમાં મુકવામાં આવી છે. 119 કરોડના ખર્ચે કુલ આઠ બિલ્ડીંગમાં બે રૂમ, ડ્રોઇંગ રૂમ, કિચન સહિતની સુવિધા સાથે 400 ફુટ કાર્પેટ એરીયાના આ ફલેટ બનાવવામાં આવશે તેમ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.
બુધવારે મળનારી સ્ટે.કમીટીની બેઠકમાં મૂકવામાં આવેલી દરખાસ્ત અંગે માહિતી આપતા પદાધિકારીએ જણાવ્યું હતું કે પોપટપરામાં ટીપી નં.19ના એફપી નં.12એ અને 12બી પર આઠ ટાવરમાં 1010 આવાસ બનાવવા નકકી કરવામાં આવ્યું છે. જે માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ પ્લોટમાં 1010 ફલેટ અને 47 દુકાનો બનાવવામાં આવશે 112.67 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવતા ત્રણ એજન્સીના ભાવ આવ્યા હતા જેમાં વિનય ઇન્ફ્રાટેક પ્રા.લી. કંપનીએ બીજી એજન્સી કરતા ઓછા 5.67 ટકા ઓનથી કામ કરવા ઓફર આપી હતી. જેથી 119.05 કરોડમાં આ કામ અપાશે. બીજી એજન્સી જે.પી.સ્ટ્રકચરે 24.75 ટકા ઓન માંગી હતી.
આવાસ યોજના અંગે વધુ વિગત આપતા ચેરમેને કહ્યું હતું કે પોપટપરામાં સ્મશાન સામે ઘનશ્યામ બંગલોની બાજુમાં મ્યુનિ. કોર્પોરેશનનો ગાર્ડન આવેલો છે તેની બાજુમાં 12એ અને 12બી એમ બે પ્લોટમાં આઠ ટાવરમાં 1010 આવાસ અને 47 દુકાનો બનાવવામાં આવશે. ફલેટમાં 33નો એક રૂમ, 2.8702.90 મીટરનો બીજો રૂમ, 3.3502.90 મીટરનો ડ્રોઇંગ રૂમ, 1.9502.10 મીટરનું કિચન રહેશે. 37ના કાર્પેટ એરીયામાં 47 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરીયા આપવામાં આવશે. ઇડબલ્યુએસ-2 પ્રકારના આવાસ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પ્રતિ આવાસ દોઢ લાખ-દોઢ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેમાં લાભાર્થીએ રૂા.5.પ0 લાખનો હિસ્સો આપવાનો હોય છે. એટલે કે સાડા પાંચ લાખમાં બે રૂમનો ફલેટ મળી શકશે. ઇડબલ્યુએસ-2 સ્કીમમાં ફલેટને પાત્ર લાયકાતના ધોરણમાં રૂા.3 લાખની આવકની મર્યાદા હોય છે.
એટલે કે જે અરજદારની વાર્ષિક આવક રૂા.3 લાખ કે તેની અંદર હોય તે જ આ આવાસ માટે પાત્ર ગણાશે. મનપા દ્વારા છેલ્લે ત્રણ રૂમની આવાસ યોજના જુદી જુદી સાઇટ પર બનાવવામાં આવી હતી. રૂા.24 લાખના ફલેટનો ભાવ ઘટાડીને મનપાએ રૂા.18 લાખ કર્યા બાદ આ ફલેટ વેંચાયા હતા. તે બાદ આવી મોંઘી ટાઉનશીપ બનાવવાના બદલે ફરી મધ્યમ વર્ગના બજેટની આવાસ યોજના બનાવવા નિર્ણય લેવાયો છે. જે વિસ્તારમાં સૌથી વધુ ટાઉનશીપ બંધાઇ છે તે વોર્ડ નં.3ના પોપટપરા વિસ્તારમાં બે પ્લોટમાં આ ફલેટ બનાવવામાં આવશે. તેનું કામ શરૂ થયા બાદ ફોર્મ બહાર પાડવા સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવશે તેવું ચેરમેને જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.