ગુજરાતની જેલોમાં દરોડા: ઓપરેશન પર હર્ષ સંઘવીની નજર
ગુજરાતમાં આજે મોડી રાતે ગુજરાતભરની જેલોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરની જેલોમાં છાપેમારીની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર રાજ્યની તમામ જેલોમાં ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી ત્રિનેત્ર પ્રોજેક્ટથી તમામ જેલોની કાર્યવાહી પર નજર રાખી રહ્યા હોવાનું માહિતી છે.
આજે રાજ્યભરની જેલોમાં પાડવામાં આવેલા દરોડા પાછળ યુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો, છતાં ઉત્તર પ્રદેશમાં એક શખસની હત્યા કરાવી હતી. તેણે વોટ્સએપ કોલથી વાત કર્યા હત્યા કરાયાના આઈબી ઈનપૂટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે
મળતી માહિતી અનુસાર અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. તમામ જેલ તેમજ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કુલ-1700 પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે અને દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર ઓપરેશન હાથ ધરાયું છે. જેલમાં સર્ચ ઓપરેશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થયા પછી શરૂ થયું હતું. ગૃહ રાજ્યમંત્રી સાથે ડીજીપી વિકાસ સહાય, જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. રાજ્યની જેલમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવતા તપાસ ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.