આજે 24 માર્ચ: વિશ્વ ક્ષય રોગ દિવસ ટીબી હારેગા દેશ જીતેગા ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ
આજે 24 માર્ચ: વિશ્વ ક્ષય રોગ દિવસ
ટીબી હારેગા, દેશ જીતેગા”: ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકારશ્રી સંપૂર્ણ રીતે કટિબદ્ધ
બોટાદ જિલ્લામાં 381 દર્દીઓ સારવાર હેઠળ, જિલ્લામાં ટીબીની સારવાર લઈને સાજા થયેલા દર્દીઓનું પ્રમાણ 90 ટકા
દર્દીનારાયણની નિરંતર સેવા માટે બોટાદ ક્ષય વિભાગ સતત પ્રયત્નશીલ: જિલ્લા ક્ષય અધિકારી ડો. અરૂણકુમાર સિંહ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે “નિક્ષય મિત્ર” બની સમાજ પ્રત્યે જવાબદારી અદા કરીએ
ટીબીના દર્દીઓને જરૂર છે હુંફ, પૌષ્ટિક આહાર, સારવાર અને જાગૃતિની
વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો છે. આ રોગ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી. નિર્મૂલનને લઈ આહ્વાન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારશ્રીને ટીબી કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વર્ષ 2013, 2015, 2018, અને 2019માં ભારત સરકારશ્રી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થઈ ચુક્યા છે.
બોટાદ જિલ્લામાં ટીબી રોગના દર્દીઓની સ્થિતિ વિશે વાત કરતા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. અરૂણકુમાર સિંહે જણાવ્યું હતું કે, “જિલ્લામાં હાલ કુલ 381 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં ટીબીની સારવાર લઈને સાજા થયેલા દર્દીનું પ્રમાણ 90 ટકા છે. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીનું નિદાન, સારવાર અને દવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ થાય છે. સાથોસાથ દર્દીઓને આરોગ્ય કેન્દ્ર સુધી આવન-જાવનનો ખર્ચ પણ ચૂકવવામાં આવે છે. દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવે છે, જેથી તેમને જરૂરી વિટામીન અને પ્રોટીન મળી રહે છે. લોકોમાં ક્ષય રોગ અને તેના નિદાન વિશે જાગૃતિ આવે તે હેતુથી નિયમીત કેમ્પેઈન, રેલી, સેમિનાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે.”
બોટાદ જિલ્લામાં ક્ષય વિભાગની ઉપલબ્ધિ વર્ણવતા ક્ષય અધિકારીશ્રીએ ઉમેર્યુ હતું કે, “બોટાદ જિલ્લામાં ક્ષયના 12 દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. પરંતુ નિયમિત માર્ગદર્શન, દવા અને સ્વાસ્થ્યવર્ધક ભોજન અપાતા તે તમામની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે. દર્દીઓને વિડિયો કોલ મારફતે મારા સહિત તમામ ડોક્ટર્સ સતત માર્ગદર્શિત કરે છે.દર્દીઓને હેલ્થ વર્કર્સ દ્વારા નિયમિત મુલાકાત અને દવા આપવામાં આવતી હતી. દર્દીનારાયણની નિરંતર સેવા માટે બોટાદ ક્ષય વિભાગ સતત પ્રયત્નશીલ છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ સુચારૂં રીતે અમલી છે. ત્યારે કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દરેક દર્દીને સારવાર ચાલુ હોય ત્યાં સુધી પ્રતિમાસ રૂ. 500 ડીબીટીથી સીધા બેંક ખાતામાં મળવા પાત્ર છે.
નિક્ષય મિત્ર અભિયાન
2025 સુધીમાં ભારત દેશને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે “નિક્ષય મિત્ર” બની આપણે દર્દીઓને હૂંફ આપી સમાજ પ્રત્યે જવાબદારી અદા કરી શકીએ છીએ.
સરળતાથી બની શકો છો નિક્ષય મિત્ર
દર્દીઓને દત્તક લઈને પોષણયુક્ત આહાર કીટ માસિક ધોરણે ઉપલબ્ધ કરાવવા www.nikshay.in પર નોંધણી કરી શકાય છે. જેમાં માત્ર તાલુકો અને ગામના વિકલ્પ પસંદ કરવાનું છે. કોઈપણ સરકારી-ખાનગી કચેરીના અધિકારી-કર્મચારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ધાર્મિક-સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થા, સેવાભાવિ સંસ્થાના આગેવાનો, દાતા, મંડળ, ફેકટરી, આરોગ્ય-વકિલાત-શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો તેમજ સામાન્ય નાગરિકો પણ ટી.બી વોરિયર્સ બની શકે છે.
ટીબીના દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• ટીબીના દર્દીઓએ ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ અવશ્ય રાખવો.
• ડોટ્સની નિયમીત અને સંપૂર્ણ સારવારથી ટીબી ચોક્કસથી મટી શકે છે.
• બે અઠવાડીયા કે વધુ સમયની ખાંસી ટીબી હોઈ શકે, નજીકના આરોગ્ય કેન્દ્ર પર બે ગળફા અને એક્સ-રેની તપાસ કરાવવી જોઈએ.
• ઉપરાંત છાતીમાં દુખાવો, ઉધરસમાં લોહી નીકળવું, થાક, રાત્રે પરસેવો, ઠંડી લાગવી, તાવ, ભૂખ ઓછી થવી અને વજન ઓછું થવું તેના મુખ્ય લક્ષણો છે.
મહત્વનું છે કે બોટાદ જિલ્લામાં જનરલ હોસ્પિટલ(સોનાવાલા) કેમ્પસ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર કાર્યરત છે. ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકારશ્રી સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. ટીબીના દર્દીઓને જરૂર છે હુંફ, પૌષ્ટિક આહાર, સારવાર અને જાગૃતિની. ત્યારે આજે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ચાલો આપણે આપણાં દેશને “ટીબીમુક્ત” બનાવવા માટે પ્રતિજ્ઞા લઈએ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.