જસદણના કનેસરા ગામે વાડીએ પાણી વાળવા ગયેલા યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનની લાશ મળી
જસદણના કનેસરા ગામે વાડીએ પાણી વાળવા ગયેલા યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનની લાશ મળી.
- યુવાનનો સવારે તેની વાડીએ ખાટલા પર ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
- નશામાં ધૂત પિતાએ જ સગા પુત્રનું ઢીમ ઢાળી દીધું હોવાની પોલીસને શંકા, પરંતુ કોઈ સત્તાવાર પુરાવાઓ ન મળતા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઈ.
જસદણ તાલુકાના કનેસરા ગામના 24 વર્ષીય યુવાનની તેની વાડીએ રહેલા ખાટલામાં સુતેલી સ્થિતિમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતક યુવાનની લાશને પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી હતી. જો કે આ હત્યાના બનાવમાં નશામાં ધૂત પિતાએ જ તેના સગા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની પોલીસે શંકાઓ વ્યક્ત કરી હતી. જો કે પોલીસને આ હત્યાના બનાવમાં કોઈ સત્તાવાર પુરાવાઓ નહી મળતા ભાડલા પોલીસે બનાવનું સાચું કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે. આ હત્યાના બનાવમાં પોલીસ સુત્રો દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે કે, દારૂડીયા પિતા સાથે ઝઘડો થતા રત્ના કલાકાર પુત્રને તેના પિતાએ જ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી તેની લાશને ખાટલામાં સુવડાવી દઈ બનાવને અંજામ આપ્યો હોવાની શંકાઓ ઉપજી રહી છે. જો કે મૃતક યુવાનનો ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ અને આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ હત્યાના બનાવનું સાચું કારણ બહાર આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
રત્ન કલાકાર યુવાનને તેના જ પિતાએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની પોલીસને શંકા.
આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતો અને હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો મહેશભાઈ બટુકભાઈ કુકડીયા(ઉ.વ.24) ગઈકાલે રાત્રીના 10 વાગ્યે તેની વાડીએ પાણી વાળવા માટે ગયો હતો. પરંતુ સવાર પડવા છતાં તે યુવાન ઘરે પરત નહી ફરતા તેના પરિવારજનો વાડીએ દોડી ગયા હતા. ત્યારે વાડીએ પાણીની મોટર ચાલુ હતી અને યુવાન જે ખાટલામાં નિયમિત સુતો હતો તે ખાટલામાં જ કપડું ઢાંકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. બાદમાં આ બનાવ અંગે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક મહેશ કુકડીયા પોતે અપરણિત હતો અને તે હીરા ઘસવાનું કામ કરી પરિવારને મદદ થતો હતો. પરંતુ નશામાં ધૂત પિતાએ ગત રાત્રીના તેના પુત્ર મહેશ સાથે અગમ્ય કારણોસર ઝઘડો કરી તેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલ ભાડલા પોલીસે આ હત્યાની ઘટનાની નોંધ કરી યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે ખસેડી બનાવનું સાચું કારણ બહાર લાવવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.
તે જે ખાટલામાં સુવે છે તે ખાટલામાં જ તેનો મૃતદેહ ઢાંકેલી હાલતમાં પડ્યો હતો: વિપુલભાઈ કુકડીયા-મૃતકના મોટાભાઈ.
સવારે અમે જ્યારે વાડીએ ગયા ત્યારે પાણીની મોટર પણ ચાલુ હતી અને તેને જગાડવા ગયા ત્યારે તેનો ખાટલામાં મૃતદેહ પડ્યો હતો. તે ગઈકાલે રાત્રીના 10 વાગ્યે વાડીએ પાણી વાળવા માટે ગયો હતો. એને ગામમાં કોઈની સાથે વાંધો પણ ન હતો. તેના લગ્ન પણ થયા નથી. તે જે ખાટલામાં સુવે છે તે ખાટલામાં જ તેનો મૃતદેહ ઢાંકેલી હાલતમાં પડ્યો હતો. તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થયેલી દેખાય છે.
યુવાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું છે, ફોરેન્સિક પીએમ માટે રાજકોટ રીફર કરેલ છે: ડો.જય બાવીસી-સિવિલ હોસ્પિટલ,જસદણ.
અહી કનેસરા ગામના વ્યક્તિની ડેડબોડી લાવેલ હતા. તેનું નામ મહેશભાઈ બટુકભાઈ કુકડીયા તેને પોતાની વાડી વિસ્તારમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ મરણ ગયેલ હોય જેથી ભાડલા પોલીસ તરફથી તેને અહી લાવતા અમે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ રીફર કરેલ છે.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.