400 વારના પ્લોટ પર 5 ઓરડી, મકાન બનાવી જમીન પચાવી પાડી
મવડી પ્લોટ, ધરમનગરના પ્લોટ પર કબજો કરનાર 3 ભૂમાફિયા સામે ફરિયાદ
શહેરમાં બેલગામ ભૂમાફિયાઓએ વધુ એક પારકી જમીન પચાવી પાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કાલાવડ રોડ, રોયલ પેલેસમાં રહેતા કિશોરભાઇ દુર્લભજીભાઇ પરમાર નામના વૃદ્ધે મવડી પ્લોટ, ધરમનગરમાં રહેતા મિલન ઉર્ફે લાલો કિશોર મુંધવા, ધનજી કુરજી મકવાણા, બાવા વાછા બાંભવા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
વૃદ્ધની ફરિયાદ મુજબ, તેમની મવડી રેવન્યૂમાં જે ધરમનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં 400 ચો.વારની જમીન આવેલી છે. આ જમીન પહેલા માતાના નામની હતી. તેમના મૃત્યુ બાદ વારસદાર તરીકે પોતે અને નાનો ભાઇ કમલભાઇ હોય જમીનના માલિક છીએ. દરમિયાન કામ સબબ પોતે કોલકાતા ગયા હતા. ત્યાંથી 2020 પછી પોતે પરત રાજકોટ આવ્યા હતા. ત્યારે પોતાની જમીન જોવા જતા પોતાની માલિકીના પ્લોટમાં ઘૂસણખોરી થઇ હોવાનું જોવા મળ્યું હતું. જેમાં કોઇએ પતરાંની ચારથી પાંચ ઓરડી અને અન્ય જમીનમાં બે મકાન બનાવાયા હતા.
તપાસ કરતા ઓરડીમાં શ્રમિકો રહેતા હતા. શ્રમિકોની પૂછપરછમાં ઓરડીના માલિક મિલન ઉર્ફે લાલો હોવાનું અને તેમને ઓરડીનું ભાડું ચૂકવતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે મકાન અંગેની તપાસ કરતા તે મકાનમાં ધનજી મકવાણાનો પરિવાર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજા મકાનમાં બાવા બાંભવા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોતાની જમીનમાં ઓરડીઓ તેમજ મકાન બનાવી રહેતા લોકોને આ જમીન પોતાની હોવાનું જણાવી ઓરડીઓ તેમજ મકાન ખાલી કરી જમીન પરત સોંપી દેવા જણાવાયું હતું. ત્યારે મિલન ઉર્ફે લાલો, ધનજી મકવાણા અને બાવા બાંભવાએ આ જમીન ખાલી કરવાના નથી, તમારાથી થાય તે કરી લોની ધમકી આપી હતી.
આમ પોતાની જમીનમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી પચાવી પાડતા કલેક્ટર તંત્રમાં અરજી કરી હતી. જે અરજીના આધારે કલેક્ટર તંત્રે તપાસ કરતા ઉપરોક્ત ત્રણેય ભૂમાફિયાએ જમીન પચાવી પાડી હોવાનું ખૂલતા ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા પોલીસને આદેશ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.