ભાજપના MLA માનસિંહ ચૌહાણે શ્રમ અને રોજગાર મંત્રીને પત્ર લખી GIDC સ્થાપવા કરી રજૂઆત
બાલાસિનોરમાં GIDC બનાવવા માટે આજે પત્ર લખી રજૂઆત કરી છે. માનસિંહ ચૌહાણે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખ્યો છે.
જીએનએ મહિસાગર : બાલાસિનોર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પોતના લેટર પેડ પર બાલાસિનોરમાં GIDC બનાવવા માટે આજે પત્ર લખી રજૂઆત કરી છે. માનસિંહ ચૌહાણે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખ્યો છે.
2021માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી જાહેરાત
નવરચિત જિલ્લો મહીસાગર બન્યાને 8 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં હજી પણ મહીસાગર જિલ્લો GIDCથી વંચિત છે. જ્યારે જિલ્લાની રચના થઈ તે બાદથી જ જિલ્લામાં માગ ઉઠવા પામી હતી. ત્યારે 2021માં વિજય રુપાણીએ કરી હતી જાહેરાત પણ…
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે પોતે મુખ્યમંત્રી હતા ત્યારે 21 જાન્યુઆરી 2021 ના રોજ ગુજરાતના આઠ જિલ્લામાં નવી ઔધોગિક વસાહત સ્થાપવા માટે જાહેરાત કરી હતી. જેમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ખડીવાવ પાસે નવી ઔધોગિક વસાહત સ્થાપવાની જાહેરાત કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ જીઆઈડીસીની સ્થાપના થઇ નથી. હવે જોવું રહ્યું કે બાલાસિનોરના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી નવી ઔધોગિક વસાહત સ્થાપવા માટે રજૂઆત કરી છે. ત્યારે હાલની ભૂપેન્દ્ર પટેલ સરકાર બાલાસિનોરમાં નવી ઔધોગિક વસાહત સ્થાપવા માટે માનનીય સન્માનીય ધારાસભ્યના પત્રનો અમલ કરી કેટલી ઝડપથી કાર્યવાહી કરી નવી ઔધોગિક વસાહત સ્થાપના કરે છે તે જોવું રહ્યું.
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પત્ર લખી રજુઆત કરતા જણાવ્યું છે કે, બાલાસિનોર તાલુકો મધ્ય ગુજરાતનો રાજસ્થાન તરફનો નજદીકનો તાલુકો છે. આધુનિકતાના કારણે ગામડાનું યુવાધન શહેર તરફ વળ્યું છે. જેના કારણે ખેતીમાં રસ ઘટતો જઇ રહ્યો છે અને વિસ્તારમાં આવેલા ગામડાઓ તૂટી રહ્યા છે. અમારા તાલુકાના મોટાભાગના નાગરિકો ખેતી તેમજ પશુપાલનના આધારે પોતાનું જીવન-નિર્વાહ કરી રહ્યાં છે. ખેતીની જમીન પણ ભાઈ ભાગ પડતા ટૂંકી થઇ રહી છે. જેના કારણે વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે.
આ વિકટ પરિસ્થિતિના નિવારણ ફળ સ્વરૂપે અમારા તાલુકામાં જો GIDCનું મોટું આયોજન થાય તો લોકોને રોજગારી સંદર્ભે પોતાનું વતન છોડી શહેર તરફ પ્રયાણ કરવું ના પડે. જેથી આપ મંત્રીને મારી અંગત ભલામણ છે કે અમારા વિસ્તારમાં ઝડપથી GIDCનું આયોજન કરવામાં આવે. આમ બાલાસિનોરના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરતા પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે જે તે સમયે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા બાલાસિનોરના ખાંડીવાવ વિસ્તાર ખાતે જાહેરાત કરવા છતાં હજી સુધી કેમ GIDC નથી બની તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.